
સાગબારા તાલુકાના મોવી ગામે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ

તાહિર મેમણ – 07/05/2026 – સાગબારા તાલુકાના મોવી ગ્રામ પંચાયત વિસ્તારમાં તા. ૭ મે, ૨૦૨૬ના રોજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે “ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી. મોવી ગામ ખાતે ખેડૂતશ્રી રાકેશભાઈના ખેતર પર યોજાયેલ આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન ઘનજીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ અને તેનો પાકોમાં ઉપયોગ કેવી રીતે કરવો તેની ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી. રસાયણમુક્ત ખેતી અપનાવવાથી જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો થાય છે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે તેમજ ખેડૂતોને આરોગ્યપ્રદ અને ગુણવત્તાસભર ઉત્પાદન પ્રાપ્ત થાય છે તેવી માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત તથા કુદરતી જંતુનાશક દવાઓ તૈયાર કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ તાલીમમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલીમનું માર્ગદર્શન CRP શ્રી ગુલાબસિંહ ભીમસિંહભાઈ વસાવા તથા કૃષિ સખી શ્રીમતી શકુંતલાબેન અર્જુનભાઈ વસાવાએ આપ્યું હતું.



