ન્યૂ ક્લોથ માર્કેટમાં ફેબ્રિક એક્ઝિબિશનને દેશવ્યાપી પ્રતિસાદ, કાપડના બજારમાં તેજીનું વાતાવરણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે શરૂ થયેલી ભવ્ય ફેબ્રિક એક્ઝિબિશને દેશભરના કાપડ બજારોમાં ઉત્સાહ અને તેજીનું માહોલ સર્જ્યો છે. ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને આત્મનિર્ભર બનાવવા, સ્વદેશી કાપડને પ્રોત્સાહન આપવા અને રોજગારીમાં વધારો લાવવા હેતુસર આયોજિત આ પ્રદર્શનને વેપારીઓ, ઉત્પાદકો અને બ્રાન્ડ પ્રતિનિધિઓ તરફથી વિશાળ પ્રતિસાદ મળી રહ્યો છે. 17થી શરૂ થયેલું આ એક્ઝિબિશન 22 નવેમ્બર સુધી ચાલુ રહેશે.
ન્યૂ ક્લોથ માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભેગતે જણાવ્યું કે માર્કેટના 66મા સ્થાપના વર્ષ નિમિત્તે આ ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. પ્રદર્શનમાં વેપારીઓએ આવનારી સીઝન તથા ઈદ, ઓણમ, પોંગલ, હોળી અને લગ્નસરા માટેનાં નવા ડિઝાઇન અને સેમ્પલો રજૂ કર્યા છે. તેની અસર રૂપે નોંધપાત્ર ઇન્કવાયરી તેમજ ઓર્ડર બુકિંગ થઇ રહ્યું છે. ખાસ કરીને ગ્રે ફેબ્રિક, ડ્રેસ મટીરીયલ, શર્ટિંગ-શૂટિંગ, ડેનિમ અને હોઝિયરીના વિવિધ ઉત્પાદનોને વ્યાપી લોકપ્રિયતા મળી રહી છે.
એકઝિબિશનના માત્ર ત્રણ દિવસમાં દેશભરના 296 વેપારીઓ, અનેક જાણીતા બ્રાન્ડ્સના મુખ્ય અધિકારીઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ મુલાકાત લીધી. ગારમેન્ટર્સ, એક્સપોર્ટ બાઈંગ હાઉસ, હોલસેલ ટ્રેડર્સ અને વિદેશી પ્રતિનિધિઓના આગમનથી પ્રદર્શનને વધુ વ્યાપક ઓળખ મળી રહી છે. અત્યાર સુધી 8000થી વધુ પ્રી-રજીસ્ટ્રેશન સાથે બહારગામમાંથી 200થી વધુ બ્રાન્ડ પ્રતિનિધિઓ આવ્યા છે, જ્યારે માત્ર એક જ દિવસે 5000થી વધુ વેપારીઓએ મુલાકાત લીધી હતી.
ઉદ્ઘાટન દિવસે ધારાસભ્ય કૌશિક જૈન, ઓલમ્પિક વાઇસ પ્રેસિડેન્ટ અને જીએસસી બેન્કના ચેરમેન અજય પટેલ, મેયર પ્રતિભા જૈન, ચિરિપાલ ગ્રુપના પ્રેસિડેન્ટ જ્યોતિભાઈ ચિરિપાલ, અનુપમ ટેક્સટાઇલના ચેરમેન પૃથ્વીરાજભાઈ અને મંગળ ટેક્સટાઇલના બાબુભાઈ શેખાની જેવી અગત્યની વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી.
બીજા દિવસે સાંસદ દિનેશ મકવાણા, ખાડિયા વિસ્તારના કોર્પોરેટર, ભૂષણ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ત્રીજા દિવસે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, જીસીસીઆઇ ચેરમેન સંદીપ એન્જીનીયર અને અન્ય માર્કેટ મહાજનના પ્રતિનિધિઓએ મુલાકાત લઈને પ્રદર્શનને પ્રશંસા આપી.
રાજ્યની ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ એક્ઝિબિશન મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થઈ રહ્યું છે. વેપારીઓ મુજબ આવા પ્રદર્શનો માત્ર બજારને મજબૂત બનાવે છે તે જ નહીં, પરંતુ નાના-મોટા ઉત્પાદકોને પણ ખૂબ લાભ આપે છે. વધતા વેપાર, નવા ઓર્ડર અને આંતરરાષ્ટ્રીય ડિમાંડને ધ્યાનમાં લેતા ન્યૂ ક્લોથ માર્કેટની આ પહેલ ભવિષ્યમાં વધુ મોટા સ્તરે યોજાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.






