કાલોલ તાલુકાના વેજલપુર ખાતે વિશ્વ જમીન દિવસ નિમિત્તે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ.

તારીખ ૧૩/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
“વિશ્વ જમીન દિવસ”ની ઉજવણીના ભાગરૂપે જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને ફળદ્રુપતા વધારવાના ઉદ્દેશ્ય સાથે કાલોલ તાલુકાના વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક મહત્વપૂર્ણ તાલીમ યોજાઈ હતી.
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભાવિન મહેતાના માર્ગદર્શન હેઠળ મોરવા (હ) તાલુકાના વંદેલી અને હારેડા ક્લસ્ટરના સ્વયં પ્રેરિત ૧૨૫ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતો રવિ સિઝનના વાવેતરમાં પ્રાકૃતિક કૃષિના મુખ્ય ઘટક જીવામૃતનો છંટકાવ કરે તે માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરના વડા ડો.કનકલતા, પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત ડો.શક્તિ ખજૂરીઆ, અને ગૃહ વિજ્ઞાનના વિષય નિષ્ણાંત ડો. રેણુ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો – જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વધુમાં, ડો. શક્તિ ખજૂરીઆ અને ડો. રેણુ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત વિવિધ મોડેલ ફાર્મ અને કિચન ગાર્ડન વિષય પર તેમજ જમીન દિવસને અનુલક્ષીને માટીનો નમૂનો કઈ રીતે લેવો તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ સાથે, ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય પત્રકનો ઉપયોગ કરવા પર ભારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, “સ્વદેશી અપનાવો” અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અને કરાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ખેડૂતોને કાર્યક્રમમાં સંલગ્ન તમામ જરૂરી સુવિધાઓમાં આત્મા પ્રોજેક્ટના એ.ટી.એમ. અર્જનભાઈ પટેલીયા અને એ.ટી.એમ. અંજનાબેન બારીયા દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરાયા હતા.





