
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
જગતના તાતને કુદરતે ફરી રોવડાવ્યા : મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કારતક માસમાં અષાઢી ભાદરવો ઋતુ બેસી હોય તેવો માહોલ છેલ્લા ત્રણ દિવસથી સર્જાયો છે. સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલના પગલે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.મોડાસા શહેરમાં રાત્રીના સુમારે સુસવાટા ભર્યા પવન સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા વાતાવરણ ઠંડુગાર બનતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા શહેરના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર થઈ હતી..
અરવલ્લી જીલ્લામાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને ભારે તારાજી સર્જાઈ છે. અણધાર્યા અને ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને ભારે નુકશાન થતા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જે સમયે પાક તૈયાર થઈ લણણી માટે તૈયાર હતો, તે જ સમયે પડેલા આ માવઠાએ ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફેરવી દીધું છે. શાકભાજી સહીત બાગાયત પાકમાં રોગચાળો અને ફંગસના પગલે ઉપજમાં ભારે નુકશાન થઇ શકે છે
INBOX : કોંગ્રેસ અને ખેડૂતોએ સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવેની માંગ કરી
અરવલ્લી જીલ્લામાં માવઠાના પગલે ખેતીનું ધનોપાત નીકળી જતા કોંગ્રેસ સમિતિએ તેમજ ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરીને તેમને વળતર અને સહાય ચૂકવવાની માંગ કરી છે. ખેતરોમાં પાણી ભરાયા હોવાથી સર્વેની કામગીરી શરૂ કરવામાં પણ વિલંબ થઈ શકે છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે નુકસાનીનો ઝડપથી અંદાજ મેળવવામાં આવે. આટલું મોટું નુકસાન થયા બાદ જો સરકાર તરફથી તાત્કાલિક સહાય નહીં મળે તો ખેડૂતો માટે આગામી સીઝન માટેની તૈયારી કરવી પણ મુશ્કેલ બનશે.અરવલ્લી જીલ્લાના ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર વહેલી તકે તેમના આંસુ લૂછીને તેમને આર્થિક મદદ પૂરી પાડે.





