રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
નવરાત્રિ પર્વ : ભક્તિ, સંસ્કૃતિ અને વિજ્ઞાનનો અનોખો સંગમ
મુંદરા, તા. 28 : ગુજરાતની ધૂળમાં રચાતી અને અહીંના લોહીમાં ભળતી નવરાત્રિ માત્ર એક ઉત્સવ નથી. પણ ભક્તિ, સંસ્કૃતિ અને વિજ્ઞાનનો અનોખો સંગમછે.
શ્રાવણ-ભાદરવાના ભારે વરસાદ બાદ આસો માસમાં આવતો આ તહેવાર આપણા પૂર્વજોની દૂરંદેશીનું પ્રતીક છે. આ તહેવારને તેમણે માત્ર ભક્તિ નહીં, પરંતુ સમાજના આરોગ્ય, પાકનું રક્ષણ અને સામાજિક એકતા સાથે જોડીને વૈજ્ઞાનિક રીતે ગોઠવ્યો હતો. આજે આપણે તેના મૂળભૂત હેતુને ભૂલી રહ્યા છીએ, ત્યારે તેના સાચા મહત્વને સમજવું અત્યંત જરૂરી છે.
વડીલોએ ગોઠવેલી આ પરંપરાના વૈજ્ઞાનિક પાસાંઓ પર નજર કરીએ તો ચોમાસા બાદ આસો માસમાં ખેડૂતોના પાક તૈયાર થતા હોય છે. આ પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે નવરાત્રિનો ઉત્સવ એક શક્તિશાળી ઉપાય હતો. ગામના ચોકમાં ઢોલ-નગારા અને લાકડીઓના અવાજથી પ્રાણીઓ દૂર રહેતા. રાસ-ગરબા રમતા લોકોનું જૂથ અને પ્રગટાવવામાં આવતો દીવો ખેતરની ચોકીદારીનું કાર્ય કરતો. જો કોઈ પ્રાણી આવી પણ જાય, તો સામૂહિક રીતે તેનો સામનો કરી તેને ભગાડી શકાય. આમ, નવરાત્રિ એક ખેત-સુરક્ષા અભિયાન પણ હતું.
બીજું વરસાદ બાદ ભરાયેલા પાણીને કારણે મચ્છર અને જીવજંતુઓનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે, જે અનેક રોગચાળાનું કારણ બને છે. આ સમસ્યાને અટકાવવા માટે આપણા પૂર્વજોએ ગરબાનો અનોખો ઉપયોગ કર્યો. માથા પર કાણાંવાળો ગરબો લઈ તેમાં દીવો પ્રગટાવીને ફરતી દીકરીઓ મચ્છર મારવાનું કુદરતી અને અસરકારક કાર્ય કરતી. પ્રકાશ તરફ આકર્ષાઈને મચ્છરો દીવામાં બળીને નાશ પામતા હતા હાલે એવા મશીનો શોધાયા છે.
આ પ્રથામાં એક વધુ વૈજ્ઞાનિક પાસું જોડાયેલું હતું. નવ દિવસના અંતે જ્યારે ગરબાનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવતું, ત્યારે દીવામાં રહેલા તેલના કારણે પાણીની સપાટી પર એક પાતળું સ્તર બની જતું. આ સ્તર મચ્છરના બચ્ચાં (લાર્વા)નો શ્વાસ રૂંધી નાશ કરતો, જે આજે પણ મચ્છર નિયંત્રણ માટે વપરાતી એક પદ્ધતિ છે. આ કાર્ય માટે દીકરીઓ સન્માન સાથે દરેક ઘરેથી લોકગીતો ગાઈને “દીવો પ્રગટાવવા તેલ પુરાવજો” એવા લહેકા સાથે તેલ માંગી લેતી અને તેમના આ યોગદાન બદલ છેલ્લા દિવસે તેમને શીખ રૂપે પુરસ્કાર પણ અપાતો.
આ ઉપરાંત આસો માસમાં ઋતુ પરિવર્તન થાય છે, ચોમાસાની ભીનાશ શિયાળાની ઠંડીમાં ફેરવાય છે. આ સંક્રમણકાળમાં વાયરલ બીમારીઓ અને શરદી-ખાંસી જેવી સમસ્યાઓ સામાન્ય હોય છે. રોજ રાસ-ગરબા અને દાંડિયા રમવાથી શરીરના દરેક અંગને કસરત મળે છે, જે લોહીનું પરિભ્રમણ સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. આમ, નવરાત્રિ શરીરને આવનારી ઠંડી ઋતુ માટે તૈયાર કરવાનું એક સ્વાસ્થ્ય અભિયાન પણ હતું.
નવ દિવસની આ સામૂહિક મહેનત બાદ દસમા દિવસે રાવણદહનનો ઉત્સવ મનાવવામાં આવતો. આનો અર્થ માત્ર રાવણ પર વિજય નહીં, દશેરા એટલે દશ હરા, અર્થાંત્ 10 અવગુણોનો નાશ કરવો. આ 10 અવગણો એટલે
અહંકાર, અમાનવતા, અન્યાય, કામ-વાસના, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, મોહ અને સ્વાર્થ. આ દસ અવગુણો પર વિજય પ્રાપ્ત કરવો.
પૂનમના દિવસે નવા પાકની કાપણી બાદ દીકરીઓને જમાડવાનું અને અનાજનું વિતરણ કરવાનું ચલણ સમાજમાં સમૃદ્ધિ, આનંદ અને પરસ્પર સહયોગની ભાવનાને દ્રઢ કરતું હતું. આ પરંપરાઓ સ્પષ્ટ દર્શાવે છે કે નવરાત્રિ માત્ર એક ધાર્મિક પર્વ નથી પણ એક સામૂહિક આરોગ્ય અભિયાન, પર્યાવરણનું રક્ષણ, સામાજિક એકતા અને શારીરિક તંદુરસ્તી જાળવવાનો સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક ઉપાય હતો.
આજે નવરાત્રિ ભલે આધુનિક રંગમાં રંગાઈ હોય, પરંતુ જો આપણે તેના મૂળભૂત હેતુને સમજીએ અને તેને ધાર્મિક આનંદની સાથે આરોગ્ય, સ્વચ્છતા અને સામાજિક કલ્યાણ સાથે જોડીને ઉજવીએ, તો આ તહેવાર સાચા અર્થમાં સાર્થક થઈ શકે છે.
આપણે આપણા વડીલોના જ્ઞાનનું સન્માન કરીએ અને નવરાત્રિની સાચી ઉજવણી કરીને આ ભવ્ય વારસાને જાળવી રાખીએ.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com