ઉમલ્લામાં માના’બાલુડા ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન
NRI અરુણભાઈ દોશીની માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ સૌ માટે પ્રેરણા
રાજ્યભરમાં હાલ નવરાત્રિ મહોત્સવની રોનક જોવા મળી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ઉમલ્લા માના’બાલુડા ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉમલ્લા નવરાત્રિ ચોક ખાતે ગરબાની રમઝટ જામી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા હતા.
આ આયોજનની વિશેષતા એ હતી કે, વિદેશમાં વસતા NRI અરુણભાઈ દોશી વર્ષોથી ઉમલ્લા ગામમાં આવીને આ ઉત્સવનું આયોજન કરે છે. વિદેશમાં રહેતા હોવા છતાં, તેઓ દર વર્ષે ખાસ પોતાના વતન ઉમલ્લા આવી માતૃભૂમિ માટેનો પ્રેમ અને ભક્તિ વ્યક્ત કરે છે. તેમનું આ સમર્પણ ગામજનો માટે પ્રેરણાદાયક બની રહ્યું છે.
નવરાત્રિ મહોત્સવ દરમ્યાન ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ખાસ વાત એ રહી કે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સ્વયં મહા આરતીમાં જોડાયા હતા.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા, ઉમલ્લા પોલીસ મથકના P.I. કે.એમ. વાઘેલા, રસ્મિકાંત પંડ્યા તેમજ સરપંચો અને અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ માતાજીની આરતીમાં જોડાઈ આશીર્વાદ લીધા હતા.
ઉમલ્લાના આ નવરાત્રિ મહોત્સવે માત્ર ધાર્મિક ભાવના જ નહીં, પરંતુ ભક્તિ, માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને સૌહાર્દનો સુંદર સંદેશ ફેલાવ્યો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી