નવસારી: બિલીમોરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: થાણેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક દાગીના સાથે ઝડપાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

બિલીમોરા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાનો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. એલસીબીની ટીમે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉમંતનગર, ભિવંડીના જકાત શાંતિનગર વિસ્તારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ચોરીના સોના-ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યું છે.
બિલીમોરા પોલીસ મથકમાં તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગુનો નોંધાયો હતો. ગુનો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૩૧(૩) અને ૩૦૫(એ) હેઠળ નોંધાયો હતો. અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવા તથા ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એલસીબી નવસારીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત તથા એલસીબી પેટ્રોલિંગ/ટેકનિકલ સેલની ટીમે તપાસ હાથ ધરી હતી.
તા. ૨૫ ઓગસ્ટના રોજ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ચોરીના સોના-ચાંદીના દાગીના સાથે મળી આવતા તેને કાયદેસરની કાર્યવાહી માટે તેના સંબંધી સાથે બિલીમોરા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. પોલીસે ચોરીના મુદ્દામાલ તરીકે બે જોડી સોનાની કાનની બુટ્ટી, બે જોડી ચાંદીના નાના વાકળા તથા એક જોડી ચાંદીના વાકળા મળી કુલ રૂ. ૨૪,૨૧૪ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.


