નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારીના દેગામ ખાતે ‘આયુષ મેળો’ યોજાયો
*નવસારી જિલ્લામાં આયોજીત ત્રિ-દિવસીય આયુષ મેળો પૂર્ણ : મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો*
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*નવસારી જિલ્લામાં આયોજીત ત્રિ-દિવસીય આયુષ મેળો પૂર્ણ : મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો*
આયુષ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર અને નવસારી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઈના અધ્યક્ષ સ્થાને પ્રજાપતિ સદન દેગામ ખાતે ‘આયુષ મેળો’ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક અને આસપાસના ગામના લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો. આ સાથે જ નવસારી જિલ્લામાં આયોજીત ત્રિ-દિવસીય આયુષ મેળો આજે પૂર્ણ થયો છે.
જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઈએ લોકોને આયુષ મેળાનો વ્યાપક લાભ લેવાનો અનુરોધ કરીને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવી હતી. આયુષ મેળાનો મહિમા વર્ણવીને શ્રી પરેશભાઈ દેસાઈએ આયુર્વેદની ઔષધિઓ, તેનું મહત્વ તેમજ આયુર્વેદ સારવાર અને તેનાથી મળેલા પરિણામ વિશે રસપ્રદ માહિતી આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલે સાંપ્રત સમયમાં આયુર્વેદનું મહત્વ અને આયુર્વેદ જીવનશૈલી અપનાવવા તાકીદ કરી હતી. તદુપરાંત આયુર્વેદ ઔષધિઓના સારા પરિણામની વિગતે વાત કરી હતી.
જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન પટેલે મહેમાનોનું સ્વાગત કરી ઉપસ્થિત લોકોને આયુષ મેળા અને આયુષ શાખાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ આડઅસર વગરની આયુર્વેદ ઉપચાર પદ્ધતિને અપનાવવા અને વાત, પિત્ત અને કફ જેવા ત્રિદોષોને આધારે દિનચર્યા અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કર્યો હતો. આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ કરાયું હતું. આયુષની વિવિધ પદ્ધતિઓની સમજણ બાલ્યાવસ્થાથી જ થઈ શકે તે માટે સ્કૂલના બાળકોને અને નગરજનોને પ્રેઝન્ટેશન દ્વારા આયુર્વેદની પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી.
દેગામ ખાતે આયોજીત આયુષ મેળામાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેનશ્રી બાલુભાઇ પાડવી, જિલ્લા પંચાયત સભ્યશ્રી શંકરભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ દમયંતીબેન પટેલ, દેગામના સરપંચશ્રી ઇતેશભાઈ પટેલ, અગ્રણીશ્રીઓ, પદાધિકારીઓ, આસપાસના ગામોના સરપંચશ્રીઓ, આર.એમ. ડી આયુર્વેદ કોલેજનો મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.