વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
જાહેર હિસાબ સમિતિએ ગણદેવી ખાતે નિર્માણ પામી રહેલા વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટ સાઈટની વિઝીટ કરી
જાહેરસમિતિના અધ્યક્ષશ્રી જીતુ વાઘાણીના હસ્તે સર્વે મહાનુભાવોના ઉપસ્થિતિમાં કાવેરી નદીના વધામણા કરવામાં આવ્યા
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આજે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાઘરેચ ગામ ખાતે નિર્માણ પામી રહેલા વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટની સાઈટ વિઝીટ કરીને બન્ને કાંઠે વહી રહેલી કાવેરી નદીના આશીર્વાદ મેળવી વધામણા કર્યા હતા. પ્રોજેકટની મુલાકાત દરમિયાન વિગતવાર માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. જાહેર સમિતિના તમામ સભ્યો પ્રોજેક્ટના કાર્યથી પ્રભાવિત થયા હતા.
ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવશ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ નવસારીની મુલાકાત લીધી હતી.
ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે સ્થળ વિઝીટમાં નવસારીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે જાહેરસમિતિના અન્ય સભ્યોને પ્રોજેક્ટ થકી બીલીમોરા શહેર અને ગણદેવી તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તથા ગામોના લોકોને થનાર ફાયદાથી સમિતિને માહિતગાર કર્યા હતા. સાથે નવસારી જિલ્લાની કાવેરી નદી બંન્ને કાંઠે વહેતા જાહેરસમિતિના અધ્યક્ષશ્રી જીતુવાઘાણીના હસ્તે તથા સર્વે મહાનુભાવોના હસ્તે કાવેરી નદીમાં નારિયેળ અર્પણ કરી વધામણા કરવામાં આવ્યા હતા અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
સમિતિના અધ્યક્ષ અને સભ્યો, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈના નિવાસ સ્થાને આવી પહોંચતા નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા પંચાયતના સભ્યોશ્રી સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહયા હતા.