Navsari: પ્રાકૃતિક ખેતીના માર્ગે નવસારી તાલુકાના વાડા ગામના રહેવાસી સુશીલાબેન પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
જુનાથાણા સ્તિથ જુના જિલ્લા સેવા સદન કેમ્પસ અને નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે પ્રાકૃતિક ખેતપેદાશોનું વેચાણ કરી બજાર કરતા સારી આવક મેળવી રહી છું: સુશીલાબેન પટેલ
રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મોડ’ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતો રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બની રહ્યા છે. ખેડુતોને ઘર આંગણે પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી શકે તે માટે જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી જુનાથાણા સ્તિથ જુના જિલ્લા સેવા સદન કેમ્પસ ખાતે દર સોમવારે અને ગુરૂવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો દ્વારા પોતાના શાકભાજી, કઠોળ, અનાજ જેવી ખેતપેદાશો પોતાની ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી કરી પોતાના ખેતપેદાશનું વેચાણ કરતા નવસારી તાલુકાના સુશીલાબેન પટેલે જણાવ્યું કે, લગભગ ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી તેના સાથે જોડાયેલા છીએ. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવ્યા પછી હવે એમ થાય છે કે, આ વિચાર પહેલા કેમ ન હોતો આવ્યો. કેમ કે એનું પરિણામ ચોખ્ખું દેખાઈ આવે છે. પાકમાં જીવાતોને રોગ ઓછા થયા, પાકનું ઉત્પાદન વિચાર્યું હતું એના કરતા વધ્યું. જમીન પણ હવે અળસિયા વધવાથી પોચી અને ફળદ્રુપ બની. ખાસ ફાયદો એ કે એક પાકની સાથે બીજો પાક પણ એટલે કે મિશ્ર પાક પણ લઇ શકાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જુનાથાણા સ્તિથ જુના જિલ્લા સેવા સદન કેમ્પસમાં દર સોમવાર અને ગુરુવાર તથા નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે દર બુધવાર અને રવિવારે આમ અઠવાડિયાના ચાર દિવસ પ્રાકૃતિક ખેતીના પેદાશનું વેચાણ કરીને બજાર ભાવ કરતા સારી આવક મેળવી રહી છું અને જો તમારી પાસે ખેતીની જમીન હોય તો ખેતીમાં ધ્યાન આપવાનું શરૂ કરી દો. રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે અનેકવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભો આપી રહી છે, જેનો લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.



