કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા મહિલા પશુપાલન શિબીર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
“કૃષક સ્વર્ણ સમૃધ્ધિ સપ્તાહ” નાં સમાપન સમારોહના અંતિમ દિવસે પશુપાલન વ્યવસ્થાપન વિષય અંગે જાગૃતતા વધારવા તાજેતરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી ખાતે કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલનાં અધ્યક્ષસ્થાને મહિલા પશુપાલન શિબિર યોજાઈ હતી. અધ્યક્ષસ્થાનેથી કુલપતિશ્રીએ પરંપરાગત તાંત્રિકીઓનાં વૈજ્ઞાનિક તકનીકી સંબંધ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી આ વિસરાતી જતી તકનીકીઓનાં સંરક્ષણ સાથે વર્તમાનમાં તેનો ઉપયોગ કરી સૌને આગળ વધવા હાંકલ કરી હતી. વધુમાં તેઓએ “ખેડ, ખાતર, પાણી અને જાણકારી મોલ/પાકને લાવે તાણી” જેવા નવા સૂત્ર સાથે ખેડૂતોને કૃષિ/બાગાયત/પશુપાલન વગેરેની નવી તાંત્રિકીઓનો ખેતીમાં સમાવેશ કરવા અને કેવિકેનો વધુ લાભ લેવા જણાવ્યું હતું. મુખ્ય મહેમાનશ્રી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.હેમંત શર્માએ પશુપાલનમાં મહિલાઓનાં યોગદાનને બિરદાવી વધુ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અને ખેતી કરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં આર્યા પ્રોજેકટ અંતર્ગત રચાયેલ કેરીના મૂલ્યવર્ધન સાથે સંકળાયેલ મહિલાઓનાં જૂથને મૂલ્યવર્ધન પ્રક્રિયા માટે મહાનુભાવોનાં હસ્તે ઈનપુટ કીટ વિતરણ કરવામાં આવ્યા હતાં. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પશુ સંશોધન કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિક ડૉ.એન.બી.પટેલે નફાકારક પશુપાલન સાથે સંકળાયેલા મૂંઝવતાં પ્રશ્નો અંગે વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી આપી હતી. કોહેજન ફાઉન્ડેશનનાં શ્રીમતિ શારદાબેને મહિલાઓને જૂથમાં રહી આર્થિક ઉપાર્જનની પ્રવૃતિમાં ભાગ લઈ આર્થિક રીતે પગભર બનવા જણાવ્યુ હતું. કેન્દ્ર ખાતે કૃષિ સ્વર્ણ સમૃધ્ધિ રથનું કુલપતિશ્રીનાં હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ખેડૂત મહિલાઓને પશુ સંશોધન કેન્દ્રની મુલાકાત કરાવીને પ્રત્યક્ષ જ્ઞાન આપીને પણ માહિતગાર કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ૧૨૦ થી વધુ જેટલા ખેરગામ, ચીખલી અને વાંસદા તાલુકાના બહેનોએ સફળતાપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનાં મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, કઠોળ સંશોધન કેન્દ્ર, બનાના સ્યુડોસ્ટેમ વિભાગ અને પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગ દ્વારા વિધિ તકનીકીઓનાં સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિવિધ તકનીકીનાં સ્ટોલ નિહાળી ખેડૂત મહિલાઓએ નવું જાણવાની ખુશી સાથે સંતોષ વ્યકત કર્યો હતો.