
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૧ જાન્યુઆરી : ભુજમાં આવેલા સંશોધન કેન્દ્ર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઈડ) દ્વારા એક દિવસીય જિલ્લાકક્ષાની જૈવ વિવિધતા જાગૃતિ શિબિરનું આયોજન કાસિયા સેન્ટર ખાતે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જૈવ વિવિધતા વિશે વિસ્તૃત માહિતી શિબિરના મુખ્ય અતિથિ અને કચ્છ બન્ની ગ્રાસ લેન્ડના નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. બી.એમ.પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત, જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ (BMC) ના કાર્યો અને વ્યવસ્થાપન, જૈવ વિવિધતા અધિનિયમ ૨૦૦૨, પરંપરાગત ઔષધીય જ્ઞાનનું દસ્તાવેજીકરણ, પબ્લિક જૈવ વિવિધતા રજિસ્ટર (PBR), જૈવ વિવિધતાનું સરક્ષણ અને પ્રાપ્તિ અને લાભ જેવા મહત્વના મુદ્દાઓ વિશે શિબિરમાં વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં લાલન કોલજના સહાયક પ્રોફેસર ડૉ. પ્રણવ પંડ્યા, સરકારશ્રીના ઔષધીય વનસ્પતિ વિભાગના શ્રી નિકુંજ ત્રિપાઠી, ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ, ગાંધીનગરથી પધારેલા પરીક્ષેત્ર વન-અધિકારી મધુબેન ખાંટ અને ગાઈડના નિયામક શ્રી ડૉ. વી. વિજયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સ્વાગત ઉદ્ભોદન વિરલ વાડોદરિયા અને સંચાલન ડૉ. ધારા દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ. જયેશ ભટ્ટ તથા ડૉ.નિકુંજ ગજેરાએ શિબિરમાં સંયોજક તરીકેની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમના અંતમાં આભારવિધિ ભગીરથ પરડવાએ કરી હતી. કચ્છ જિલ્લાના તલાટી મંત્રીશ્રીઓ, જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ (BMC) ના સભ્યો તથા ગ્રામ્યજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને શિબિરનો લાભ લીધો હતો તેમ ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના આસિસટન્ટ ડિરેક્ટરશ્રી ડૉ. કે.કાર્થિકેયન દ્વારા જણાવાયું છે.






