ધનોરી આશ્રમશાળામાં માનવસેવાનો મહાયજ્ઞ: ડો. મનોજ રાઠોડના નિઃશુલ્ક હેલ્થ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ઉત્કૃષ્ટ સેવાકીય કાર્ય બદલ ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને ડો. દિવ્યાંગી પટેલનું સ્થાનિક આગેવાનો દ્વારા ટ્રોફી આપી સન્માન
હળપતિ સમાજ સેવા મંડળ, બીલીમોરા સંચાલિત ધનોરી આશ્રમશાળામાં સમાજસેવા અને આરોગ્યસેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. રાનવેરી ખુર્દના વતની અને હાલમાં અમદાવાદની શેલબી હોસ્પિટલના ઇમરજન્સી મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા સમાજસેવક ડો. મનોજ રાઠોડ દ્વારા દરવર્ષની પરંપરા મુજબ વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ધનોરી તથા આસપાસના ગ્રામજનો ઉપરાંત આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન દર્દીઓનું નિદાન, આરોગ્ય અંગે માર્ગદર્શન તેમજ જરૂરી સારવાર અંગે સલાહ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ તથા ખેરગામ સ્થિત છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના એકમાત્ર મહિલા પેથોલોજીસ્ટ ડો. દિવ્યાંગી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને તબીબો વર્ષોથી આવા આરોગ્ય કેમ્પોમાં વિનામૂલ્યે લેબોરેટરી સેવાઓ પૂરી પાડી સમાજસેવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે.
તેમની નિઃસ્વાર્થ અને સમર્પિત આરોગ્યસેવાને બિરદાવતાં આશ્રમશાળાના ટ્રસ્ટી સુમનભાઈ તળાવિયા, ઉપપ્રમુખ દિલીપભાઈ રાઠોડ, કિરણભાઈ રાઠોડ, ધનોરીના પૂર્વ સરપંચ મુકેશભાઈ તેમજ રાજેશભાઈ, સતીષભાઈ, રમેશભાઈ સહિતના આગેવાનોએ ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને ડો. દિવ્યાંગી પટેલને ટ્રોફી અર્પણ કરી ભવ્ય સન્માન કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા રાનવેરી ખુર્દના રાઠોડ પરિવારના બીનાબેન, પરેશભાઈ, કલ્પેશભાઈ, આશ્રમશાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ટેકનિશિયન કૃપાલી, આયુષી સહિત તમામ સેવાભાવીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ સમાજસેવા, આરોગ્ય જાગૃતિ અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતો પ્રેરણાદાયી ઉપક્રમ બની રહ્યો હતો, જેને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ સરાહના મળી હતી.




