APMC માર્કેટમાં ખેડૂતોનું આર્થિક શોષણ: ન્યાય માટે ડો.નિરવ પટેલની કૃષિમંત્રી અને કૃષિ સચિવને રજૂઆત

વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી અને વલસાડ જિલ્લામાં કેરીના વેપારમાં કમિશન એજન્ટો અને વેપારીઓ દ્વારા ખેડૂતોનું આર્થિક શોષણ થતું હોવાના ગંભીર આક્ષેપો સાથે આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ નિરવભાઈ પટેલે રાજ્યના કૃષિમંત્રી અને કૃષિ સચિવને રજૂઆત કરી ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે કેરીના કમિશન એજન્ટો અને વેપારીઓ અંદરખાને એકજૂટ થઈ કૃત્રિમ રીતે ઓછા ભાવ નક્કી કરી ખેડૂતો પાસેથી કેરીઓ સસ્તા ભાવે ખરીદી રહ્યા છે. ખેતીપાક પર નિર્ભર ખેડૂતો એક તરફ મોંઘવારી અને બીજી તરફ બજારમાં મળતા અપૂરતા ભાવ વચ્ચે આર્થિક સંકટમાં મુકાઈ રહ્યા છે.
ખેડૂતો ગામડાંઓમાંથી ભાડાના વાહનો મારફતે પોતાની કેરીઓ APMC માર્કેટ સુધી લાવે છે. ઘણીવાર વાહન માલિકોને “કેરી વેચાયા પછી ભાડું ચૂકવાશે” એવી શરતે વાહન કરવું પડે છે. પરંતુ માર્કેટમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મજબૂરીવશ પાક ઓછા ભાવે વેચવો પડે છે.
ખેડૂતોના આક્ષેપ મુજબ માર્કેટમાં વેપારીઓ કેરી ખરીદતી વખતે ૨૦ કિલોના ભાવ આપે છે. ૨૦ કિલોના બદલે થી ૨૪ કિલો સુધીનું વજન લેવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને સીધું નુકસાન ભોગવવું પડે છે. APMC માર્કેટના વહીવટી તંત્રની અણઆવડત અથવા વેપારીઓ સાથેની સંભવિત મિલીભગતના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નિરવભાઈ પટેલે રજૂઆતમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો દર વર્ષે કમોસમી વરસાદથી ખાસ કરીને કેરી અને ડાંગરના પાકમાં ભારે નુકસાન સહન કરે છે. આવા સંજોગોમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે અને તેમની આવક સુરક્ષિત રહે તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.
સાથે જ દક્ષિણ ગુજરાતમાં સરકારી કોલ્ડ સ્ટોરેજ, કેરી તથા અન્ય કૃષિ પાકોના પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા અને દક્ષિણ ગુજરાતની કેસર તથા આફૂસ કેરીને GI ટેગ ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી સ્થાનિક ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારનો લાભ મળી શકે.
આદિવાસી સમાજના આગેવાનોએ ચેતવણી આપી હતી કે ખેતીમાં સતત વધતી અનિશ્ચિતતા, વેપારીઓની મનમાની અને ઉત્પાદન ખર્ચમાં વધારો જેવા કારણોસર યુવા પેઢી ખેતી વ્યવસાયથી દૂર થઈ રહી છે. જો ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં કૃષિ ઉત્પાદન અને પર્યાવરણ બંને પર ગંભીર અસર પડી શકે છે.




