NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં મેઘમહેર યથાવત:ખેરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો,૧૬૫ જાહેરમાર્ગો બંધ જાણો વધુ વિગત

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદની અસર નવસારી જિલ્લામાં હજુ પણ જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૭ મિ.મી. (૧.૮૬ ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે ખેરગામ તાલુકામાં સૌથી વધુ ૬૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે જિલ્લાની મુખ્ય નદીઓમાં જળસ્તર સતત ઊંચું રહેતાં અને અનેક કોઝવે પાણીમાં ગરકાવ થતાં આજે સવારે ૧૦:૦૦ વાગ્યાની સ્થિતિ મુજબ જિલ્લામાં હજુ પણ કુલ ૧૬૫ જાહેરમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ છે.

માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ, ગઈકાલની સરખામણીએ આજે પાણી ઓસરતાં ૫ નવા માર્ગો વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકાયા છે, જેના કારણે બંધ માર્ગોની સંખ્યા ૧૭૦માંથી ઘટીને ૧૬૫ થઈ છે. હાલમાં બંધ તમામ માર્ગો પંચાયત વિભાગ હેઠળના છે. તેમાં ૧૬૦ કોઝવે પાણીમાં ગરકાવ, ૪ રેલવે અંડરપાસ તથા ૧ સ્થળે નદી પર પૂરતું માળખું ન હોવાથી માર્ગ બંધછે. રાજ્ય ધોરીમાર્ગો, અન્ય મુખ્ય માર્ગો, નેશનલ હાઇવે તથા NHAIના તમામ માર્ગો હાલ ખુલ્લા અને વાહનવ્યવહાર માટે કાર્યરત છે.

તાલુકાવાર સ્થિતિ મુજબ વાંસદા તાલુકામાં સૌથી વધુ ૫૩ માર્ગો બંધ છે. ત્યારબાદ ગણદેવીમાં ૩૮, ચીખલીમાં ૩૨, નવસારી અને જલાલપોરમાં ૧૮-૧૮ તથા ખેરગામમાં ૩ માર્ગો હાલ પણ બંધ છે.

જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ ૨૦૯૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદમાં ખેરગામમાં ૨૫૧૦ મિ.મી., ચીખલીમાં ૨૩૨૫ મિ.મી., વાંસદામાં ૨૩૦૭ મિ.મી., ગણદેવીમાં ૧૮૭૮ મિ.મી., નવસારીમાં ૧૮૭૩ મિ.મી. અને જલાલપોરમાં ૧૬૯૪ મિ.મી. વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાલુકાવાર વરસાદમાં ખેરગામમાં ૬૦ મિ.મી., નવસારી અને ચીખલીમાં ૫૧-૫૧ મિ.મી., વાંસદામાં ૪૮ મિ.મી., જલાલપોરમાં ૩૮ મિ.મી. તથા ગણદેવીમાં ૩૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

સતત વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં પાણીની આવક યથાવત છે. અંબિકા નદીનું જળસ્તર ૨૭.૫૫ મીટર સુધી પહોંચ્યું છે, જે ભયજનક સપાટીથી થોડું નીચે છે. જ્યારે પૂર્ણા નદી (નવસારી)નું જળસ્તર ૨૪.૦૦ મીટર નોંધાયું છે, જે તેની ૨૩.૦૦ મીટરની ભયજનક સપાટીથી ઉપર વહે રહ્યું છે. મહુવા ખાતે પૂર્ણા નદીનું જળસ્તર ૧૮.૦૦ મીટર અને કાવેરી નદીનું જળસ્તર ૧૫.૫૦ મીટર નોંધાયું છે.

જિલ્લાના બંને મુખ્ય જળાશયોમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે. જૂજ ડેમનું જળસ્તર ૧૬૭.૬૫ મીટર નોંધાયું છે, જે તેની ભયજનક સપાટી ૧૬૭.૫૦ મીટરથી ઉપર છે. જ્યારે કેલિયા ડેમનું જળસ્તર ૧૧૩.૮૫ મીટર નોંધાયું છે, જે તેની ૧૧૩.૪૦ મીટરની ભયજનક સપાટીથી વધુ છે.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર, માર્ગ અને મકાન વિભાગ તેમજ આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સતત સતર્ક છે. નાગરિકોને પાણી ભરાયેલા કોઝવે, નદીકાંઠાના વિસ્તારો અને બંધ જાહેર કરાયેલા માર્ગો પરથી પસાર ન થવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!