NAVSARIVANSADA

વાંસદામાં ખાતર માટે ખેડૂતતોની લાંબી કતારો લાગી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અન્નદાતાની વ્યથા…

વહેલી સવારથી લાઈનો, છતાં ખાતરની કોઈ ખાતરી નહીં

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેતી માટે જરૂરી યુરિયા ખાતર મેળવવા ખેડૂત ભાઈઓ અને બહેનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. ગરમી અને અવ્યવસ્થાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વાંસદા ખાતે આવેલી ધી વાંસદા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ખાતે ખેડૂતો વહેલી સવારે ૬ વાગ્યાથી જ આવી પહોંચે છે. અનેક ખેડૂતો દૂર દૂરના ગામડાંઓમાંથી ૫ થી ૨૦ કિલોમીટરનું અંતર કાપીને ખાતર લેવા માટે આવે છે. મહિલાઓ અને વૃદ્ધ ખેડૂતોએ પણ ભારે હાલાકી સહન કરવી પડી રહી છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, બે દિવસથી સતત લાઈનમાં ઉભા રહેવા છતાં ઘણીવાર ખાતરનો જથ્થો ખૂટી જાય છે. કેટલાક ખેડૂતો લોન અથવા વ્યાજે રૂપિયા લઈને રોકડ ચૂકવણી કરવા આવે છે, છતાં પૂરતું ખાતર મળતું નથી. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીની તૈયારીનો મહત્વનો સમય ચાલી રહ્યો છે, પરંતુ ખેતરમાં કામ કરવાના બદલે દિવસો સુધી ખાતરની લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. કાળઝાળ ગરમીમાં વૃદ્ધો અને મહિલાઓ માટે સ્થિતિ વધુ કઠિન બની રહી છે.સંઘના કર્મચારીઓ દ્વારા ખેડૂતોને એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે ઉપરથી પૂરતો જથ્થો મળતો નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ અને રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર ખાતર નહીં મળે તો આગામી વાવણી અને ઉત્પાદન પર સીધી અસર પડશે. ખેડૂતોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ચૂંટણી સમયે ખેડૂત હિતની મોટી મોટી વાતો કરનારા રાજકીય આગેવાનો આજે ખેડૂતોની આ મુશ્કેલીમાં કેમ નજરે પડતા નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે સમસ્યા ગંભીર હોવા છતાં જવાબદાર તંત્ર અને નેતાઓ મૌન ધારણ કરી રહ્યા છે.ખેડૂતો અને ગ્રામજનોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે વાંસદા સહિત સમગ્ર નવસારી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે અને ખેડૂતોને લાંબી લાઈનો તથા હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે. ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો આગામી સિઝનમાં ખેતી પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!