NAVSARINAVSARI CITY / TALUKO

મિશન ક્લીન નવસારી’નો પ્રારંભ: મનપાના કમિશનરે પૂરગ્રસ્ત વિસ્તારોમાં મહાસફાઈ અભિયાનના આપ્યા આદેશ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ઇટાળવા તળાવ પ્રોજેક્ટને 30 દિવસનું અલ્ટીમેટમ – પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડીપ ક્લિનિંગ, ફોગિંગ અને આરોગ્ય સર્વે માટે ખાસ ઝુંબેશ

નવસારી, તા. 10 જુલાઈ: શહેરમાં પૂર બાદ સામાન્ય જનજીવનને ઝડપથી પૂર્વવત્ બનાવવા અને વિકાસ કાર્યોને ગતિ આપવા માટે નવસારી મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં શહેરના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા, પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત અને આગામી દિવસોમાં હાથ ધરાનારા વિશાળ સફાઈ અભિયાન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.

કમિશનરશ્રીએ નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે શહેરના વિકાસકાર્યોનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તમામ બાંધકામ પ્રોજેક્ટ્સમાં ગુણવત્તાનું ઉચ્ચ ધોરણ જળવાય અને નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે સંબંધિત એજન્સીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

શહેરના મહત્વાકાંક્ષી ઇટાળવા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન કમિશનરશ્રીએ આગામી 30 દિવસમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવાનો અંતિમ અલ્ટીમેટમ આપ્યો હતો. સમયમર્યાદા બાદ પણ વિલંબ થશે તો સંબંધિત એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. ઉપરાંત, એનએમસી ભવનના બાંધકામમાં સ્લેબની મજબૂતાઈનું આધુનિક મશીનથી સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે સરકારી રહેણાંક બંગલાની કામગીરી પણ ઝડપી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

તાજેતરના ભારે વરસાદ અને પૂરની અસરગ્રસ્ત ભેંસતખાડા, કાશીવાડી અને શાંતાદેવી રોડ વિસ્તારની મુલાકાત દરમિયાન કમિશનરશ્રીએ કાદવ અને ગંદકીના ઢગલાઓ દૂર કરવા તાત્કાલિક સફાઈ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતાં સમગ્ર શહેરમાં આગામી ત્રણથી ચાર દિવસ માટે “મિશન મોડ”માં મહાસફાઈ અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અભિયાન અંતર્ગત જે વિસ્તારોમાં પાણી ઉતરી ગયું છે ત્યાં JCB, ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી ડીપ ક્લિનિંગ કરવામાં આવશે. ત્યારબાદ પાણીના ફોર્સથી રસ્તાઓ અને વિસ્તારો ધોઈને સ્વચ્છ કરવામાં આવશે. સફાઈ બાદ આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ તથા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ફોગિંગની વિશેષ કામગીરી હાથ ધરાશે. જરૂર પડે તો વધારાની મેનપાવર તાત્કાલિક ઉપલબ્ધ કરાવી કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે.

રોગચાળો ફેલાતો અટકાવવા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને તાવ, શરદી, ખાંસી સહિતના લક્ષણોનો સર્વે કરવામાં આવશે અને જરૂરિયાતમંદોને સ્થળ પર જ દવાઓ આપવામાં આવશે. સોલિડ વેસ્ટ, એન્જિનિયરિંગ અને ડ્રેનેજ વિભાગોને સંકલનથી આગામી બે દિવસમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ પૂર્ણ કરવા તેમજ પાણી પુરવઠા અને ડ્રેનેજ લાઈનની તપાસ કરી જરૂરી સમારકામ ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ પણ કરવામાં આવી છે.

નવસારી મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને નાગરિકોની સુરક્ષા માટે સમગ્ર તંત્ર યુદ્ધના ધોરણે કાર્યરત છે અને પૂર પછીની સ્થિતિને ઝડપથી સામાન્ય બનાવવા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!