GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં પીવાના પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા કલેક્ટર મનીષ ગુરવાનીની સમીક્ષા બેઠક

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

૩૯૬ ગામોના સર્વેના આધારે પાણી પુરવઠો, ગુણવત્તા, સંરક્ષણ અને જર્જરીત ટાંકીઓ અંગે અધિકારીઓને અપાયા જરૂરી નિર્દેશ

નવસારી જિલ્લામાં દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત અને નિયમિત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા અને સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (District Water and Sanitation Committee)ની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લાના ૩૯૬ ગામોમાં કરાયેલા સર્વેના આધારે પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજર દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન મારફતે પાણીવેરાની વસૂલાત, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓના દૈનિક સંચાલન, પાણીથી વંચિત રહેલા ઘરોના Adequacy Gaps, પાણીની ગુણવત્તાના પરીક્ષણો, પાણી સંરક્ષણના પ્રયાસો તેમજ જર્જરીત પાણીની ટાંકીઓની સ્થિતિ અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા, પીવાના પાણીની ગુણવત્તા જાળવવા માટે નિયમિત પરીક્ષણો કરવા, વરસાદી પાણીના સંરક્ષણને વધુ પ્રોત્સાહન આપવા તેમજ જર્જરીત પાણીની ટાંકીઓના સમારકામ અને જરૂરી કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

બેઠકમાં જણાવાયું હતું કે જૂન માસ દરમિયાન રાજ્યસ્તરીય ટોલ-ફ્રી હેલ્પલાઇન પર નવસારી જિલ્લામાંથી પ્રાપ્ત થયેલી કુલ ૫૪ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદોનો ૧૦૦ ટકા સફળ નિકાલ કરવામાં આવ્યો છે, જે જિલ્લાના કાર્યક્ષમ વહીવટનું પ્રતિબિંબ છે.

કલેક્ટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને નિયમિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે તમામ સંબંધિત વિભાગોએ પરસ્પર સંકલન સાથે ઝડપી અને જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, વાંસદા પ્રાયોજના વહીવટદાર સ્વપ્નીલ સિસેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ, જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજર ડી. પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!