નવસારી: ભારે વરસાદના પગલે પૂર્ણા, અંબિકા,અને કાવેરી નદીઓના પાણીનો વધારો થતાં 550થી વધુ લોકોને સ્થળાંતરીત કરાયા..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવઉપરવાસ પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળસપાટીમાં ઘણો વધારો થયો છે. જેથી, નીચાણવાળા વિસ્તારોમાં તથા કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી ન ભોગવી પડે એ માટે વહીવટતંત્ર સાબદુ થઈ જનજાગૃતિ, રેસ્ક્યું અને રાહતના તમામ પગલાં લઈ રહ્યું છે. સાથે, લોકોને આશ્રયસ્થાનોમાં સલામત રીતે સ્થળાંતરિત કરી રહ્યું છે.
આ સંદર્ભે, આજે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ વિવિધ આશ્રયસ્થાનની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે સ્થળાંતરિત થયેલા લોકો સાથે વાતચીત કરી હતી. અને રાતવાસા દરમિયાન લોકોને ત્યાં કોઈ અગવડ ન પડે એ માટે અધિકારીઓને સૂચના આપી હતી. લોકોની રહેવા જમવા, સૂવા, દવા, શૌચાલય, સુરક્ષા વિગેરેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. હાલના તબક્કે, ડી.ડી. ગર્લ્સ હાઈસ્કૂલ, ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચ – સ્વપ્નલોક સોસાયટી સહિતની આઠ જગ્યાએ 550 થી વધુ લોકોને સ્થળાંતરીત કર્યા છે.