ફાગણ ફોરમતો આયો… જુઓ અંકલેશ્વર નજીક ખિલેલા કેસૂડાના વૃક્ષોની સુંદરતાનો નજારો


સમીર પટેલ, ભરૂચ
ફાગણ માસની શરૂઆત સાથે જ અંકલેશ્વર નજીકના વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ વિસ્તારમાં કેસૂડાના ફૂલોએ જંગલોને કેસરી રંગથી મઢી દીધા છે. આ ફૂલો માત્ર સૌંદર્યની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આયુર્વેદિક ગુણોથી પણ ભરપૂર છે.
આયુર્વેદિક સંશોધનો મુજબ, કેસૂડાના ફૂલો ચર્મરોગ અને અતિસાર જેવા રોગોમાં ઉપયોગી છે. નાના બાળકોને ઉનાળામાં સૂકા કેસૂડાના ફૂલોથી સ્નાન કરાવવાથી લૂ, શરદી અને તાવ સામે રક્ષણ મળે છે.
અંકલેશ્વર વન વિભાગના અધિકારી ભાવેશ મોભેના જણાવ્યા અનુસાર, કેસૂડાના સંવર્ધન માટે કેવડિયા ખાતે વિશેષ વન ઊભું કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે કેસૂડાના ફૂલના પાણીથી સ્નાન કરાવવાથી બાળકોને લૂ લાગતી નથી અને ચામડીના રોગોમાં પણ રાહત મળે છે.
આદિકાળથી મહત્વ ધરાવતા આ કેસૂડાના ફૂલો ઉનાળાની ઋતુમાં જંગલ વિસ્તારોની શોભામાં વધારો કરે છે. વન વિભાગ આ મૂલ્યવાન વનસ્પતિના જતન અને સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહે છે.



