NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં દારૂ-ડ્રગ્સના ગેરકાયદે વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

જિલ્લા પોલીસ વડાને નવસારી શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટનું આવેદનપત્ર : યુવાધનને નશાના દૂષણથી બચાવવા કડક કાર્યવાહી કરવા રજૂઆત

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં નવસારી પંથકમાં દારૂ તેમજ ગાંજો, ડ્રગ્સ, અફીણ, ચરસ સહિતના નશીલા પદાર્થોના કથિત ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

નવસારી શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપક બારોટે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી નવસારી પંથકમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા તથા આવા તત્વો સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આવેદનમાં જણાવ્યા મુજબ, નવસારી પંથકમાં દેશી-વિદેશી દારૂ તેમજ વિવિધ નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને ગાંજો, ડ્રગ્સ, અફીણ, ચરસ સહિતના નશાકારક પદાર્થોના વેચાણથી યુવા પેઢી નશાના રવાડે ચડી રહી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

દીપક બારોટે જણાવ્યું કે, નશાનું દૂષણ માત્ર વ્યક્તિ પૂરતું મર્યાદિત નથી રહેતું, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને અસર કરે છે. તેથી નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરી નવસારીને નશામુક્ત બનાવવાની દિશામાં અસરકારક પગલાં ભરવા જરૂરી છે.

આવેદનમાં પોલીસ તંત્રને નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અંગે મળતી માહિતીની ગંભીરતાથી તપાસ કરવા, સંડોવાયેલા તત્વો સામે ગુના નોંધવા તેમજ આવા પ્રવૃત્તિઓના મૂળ સુધી પહોંચી નેટવર્કનો પર્દાફાશ કરવા માંગ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં અગાઉ પણ ગાંજાના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયા છે અને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે, જેના પગલે નશાના ગેરકાયદે નેટવર્ક સામે સતત પોલીસ કાર્યવાહી જરૂરી બની છે.

કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું કે, નશાબંધી અને નશામુક્તિના પ્રયાસોમાં કોંગ્રેસના તમામ કાર્યકરો પોલીસ તંત્રને જરૂરી સહકાર આપવા તૈયાર છે. આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ નવસારી જિલ્લામાં તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!