નવસારી ગુરુકુલ વિદ્યામંદિર, સુપાના વિદ્યાર્થીઓની RNG પટેલ કોલેજ, બારડોલી ખાતે શૈક્ષણિક મુલાકાત લીધી
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ગુરુકુલ વિદ્યામંદિર, સુપા નવસારી ના ધોરણ ૯ અને ૧૦ ના વોકેશનલ ટ્રેડ તથા ધોરણ ૧૧ અને ૧૨ ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ RNG પટેલ કોલેજ, બારડોલીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ટ્રેડ્સ, પ્રોગ્રામિંગ & AI તેમજ ઓટોમેશન સોફ્ટવેર વિષે અદ્યતન જ્ઞાન પ્રદાન કરવાનો હતો. RNG પટેલ કોલેજના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને કારકિર્દી વિકાસની તકો અંગે માર્ગદર્શન આપ્યું.
આ યાત્રાનું સંચાલન વોકેશનલ ટ્રેનર શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય કુ. શીતલ પટેલ, વહીવટી વિભાગના શ્રીમતી રીટાબેન પટેલ તથા સમગ્ર સ્ટાફ પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ કોલેજના આધુનિક કેમ્પસ, લેબોરેટરી અને પ્રોજેક્ટ વર્કની મુલાકાત લઈને વાસ્તવિક શૈક્ષણિક અનુભવ મેળવ્યો. આ મુલાકાત તેમના માટે અત્યંત પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક સાબિત થઈ હતી. ખાસ કરીને ધોરણ ૧૧ અને ૧૨ ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ યાત્રા ભવિષ્યમાં વિશિષ્ટ કારકિર્દી માટે સજ્જ બનવામાં સહાયક બની હતી.
ગુરુકુલ વિદ્યામંદિર ગ્રાન્ટેડ શાળામાં વોકેશનલ ટ્રેડ અંતર્ગત ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) વિષયનું સંચાલન થાય છે. આ વિષયની ગ્રાન્ટમાંથી અદ્યતન કોમ્પ્યુટર લેબ અને ટેક્નિશિયન સહિતની જરૂરી ખરીદી કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રોજગારીના ક્ષેત્રે પ્રત્યક્ષ લાભ મળી શકે. વિદ્યાર્થીઓ Startup India અંતર્ગત પોતાના જુદા જુદા પ્રયોગો આ લેબમાં કરે છે અને નવીનતાનું દ્રષ્ટાંત પુરું પાડે છે.
આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રત્નાણી એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે ગુજરાત ગુરુકુળ સભાના ઉપપ્રમુખ શ્રી કરસનભાઈ ટીલવા અને મંત્રી શ્રી અજીતસિંહ એ શાળાની પહેલને વધાવી હતી.