વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે.
નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. પરતું ટોચ સુધી પહોચવા માટે મુશ્કેલીઓ, અને સમસ્યાઓના પહાડને, નવસારી જિલ્લા તંત્રએ એકમેકના સહકારથી પાર કર્યું છે. જેમાંથી એક કિસ્સો જાણવા જેવો અને તમામ જિલ્લાઓએ અપનાવવા જેવો છે, જે અત્રે પ્રસ્તુત છે.
નવસારી જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે એક મુહિમ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં ખેડૂતોને આવતી અનેક સમસ્યાઓની ઝીણવટપુર્વક તપાસ કરી. જેમાં એક સમસ્યા એ સામે આવી, જેમાં કેટલાક એવા ખેડૂતો પણ હતા કે જેઓ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હતા, પરંતું તેઓ પાસે દેશી ગાય ન હોવાના કારણે, ઇચ્છા હોવા છતા પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા ન હતા. આ સમસ્યાના હલ રૂપે, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ ગજેરાએ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પુષ્પલતાના માર્ગદર્શન હેઠળ, સમગ્ર જિલ્લા તંત્રના સહયોગથી આ સમસ્યાનું જળમુળથી નિવારણ લાવવા, જિલ્લા કક્ષાએ એક જીવામૃત વેચાણ કેદ્ર ઉભું કરવાનો વિચાર કર્યો.
વિચાર તો સારો હતો. પરંતું સરકારી કામકાજ સમય માંગી લેતો હોય છે. સેવાનિષ્ઠાને વરેલા અધિકારી, કર્મચારીઓ હોય તો કોઇ પણ કામ અશ્ક્ય નથી. જિલ્લા ખેતીવાડી અધિકારી અને તેઓની ટીમે પ્રપોઝલ બનાવી જિલ્લા પંચાયતની સભાને રજુ કરી. નિયત સારી હોય તો તમામ લોકો મદદ માટે સાથ આપતા હોય છે. તે જ રીતે જિલ્લા પંચાયતના અધિકારી, પદાધિકારીઓએ આ માંગણીનો સ્વીકાર કરી, સ્વભંડોળમાંથી ફંડ આપી કેન્દ્ર ઉભું કરવાની મંજુરી આપી.અને આમ, ડીસેમ્બર ૨૦૨૩થી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી ગામે ખેતીવાડી વિભાગના બીજ કેન્દ્ર ખાતે ‘જીવામૃત પ્રોજેક્ટ’ની શરૂઆત કરવામાં આવી.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરાએ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના એવા ખેડૂતો કે જેમને પ્રાકૃતિક ખેતી કરવી છે, પરંતુ તેઓ પાસે પ્રાકૃતિક ખેતીના પૂરતા આયામો નથી, જેમ કે દેશી ગાય. દેશી ગાય ન હોવાથી જીવામૃત બનાવી શકાતું નથી, અને તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા નથી. આ સમસ્યાને ધ્યાને લઇ, જીવામૃતનું જથ્થા બંધ પ્રોડક્શન કરવાના હેતુસર જીવામૃત પ્રોજેક્ટની પ્રપોઝલ મુકવામાં આવી હતી. જેથી જરૂરિયાત ધરાવતા ખેડૂતોને જીવામૃત પોતાના ગામડે જ, ઘર આંગણે પહોચાડી શકાય. આ પ્રોજેક્ટની સરાહના કરી જિલ્લા તંત્ર દ્વારા વાંસદા તાલુકાના નાની ભમતી ગામે બીજ ઉત્પાદન કેન્દ્ર ખાતે જીવામૃત ઉત્પાદન અને વિતરણની શરૂઆત કરવામાં આવી. નવસારી જિલ્લામાં જીવામૃત પ્રોજેક્ટને ખેડૂતોનો ખુબ સહયોગ મળ્યો છે, અને ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે. કે તેઓ પણ રસાયણ મુક્ત ખેતી કરી શકે છે. માર્કેટમાં પ્રાકૃતિક ખેત પેદાશોની બહોળા પાયે ખરીદી કરી નાગરિકો તરફથી પણ ખેડૂતોની મહેનતને વધાવી લેવામાં આવી રહી છે.
એટલુ જ નહી, આ પ્રોજેક્ટના કારણે રસાયણયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે. આવા ખેડૂતોને જોઇ આસપાસના ખેડૂતો પણ આ બાબતે પુછતાછ કરી રહ્યા છે. જેના કારણે આ કેન્દ્રને એક્ષપાન્ડ કરવા તરફ નવસારી જિલ્લા તંત્ર વિચાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ નવસારી જિલ્લા દ્વારા અપનાવવામાં આવ્યો છે.
ખેડૂતોની વાત કરીએ તો, પ્રાકૃતિક ખેતી કરતા ખેરગામ તાલુકાના કાકડવેરી ગામના એક પ્રગતિશિલ ખેડૂત પટેલ પ્રિતેશભાઇ આ અંગે જણાવે છે કે, મારે પ્રાકૃતિક ખેતી કરવી હતી. પરંતુ મારી પાસે દેશી ગાય નથી. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયની જરૂરીયાત હોય છે. જેના કારણે હું મુંઝવણમાં હતો. પરંતું અમારા ગ્રામસેવક મારફત ખબર પડી કે નાની ભમતી ખાતે જીવામૃતનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ત્યાથી જીવામૃતની ખરીદી કરી પ્રાકૃતિક ખેતી શરૂ કરી, અને પ્રાકૃતિક ખેતીથી અમને ખુબ જ સારૂ ઉત્પાદન મળ્યું છે.
પ્રિતેશભાઇએ પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉપજ સારી મળે છે. પાકની ક્વોલીટી સારી રહે છે. જેમ કે રીંગણની ખેતી કરીએ તો સાઇનીંગ સારી આવે, ઉત્પાદન સારૂ મળે છે. દુધીની વાત કરુ તો તેની લેન્થ સારી થાય, અને બજાર ભાવ સારો મળે. આમ, પ્રાકૃતિક ખેતી થકી પહેલા કરતા મારી આવક ખુબ વધી છે. જેના માટે હુ સરકારશ્રી અને જિલ્લા/તાલુકાના ખેતીવાડી વિભાગનો આભારી છું.
નવસારી જિલ્લો બાગાયતી ફળો માટે જાણીતો છે. પ્રાકૃતિક ખેતીએ બાગાયતી પાકોમાં પણ અસરકારક પરિણામ મેળવ્યા છે. કેરીની વાડી ધરાવતા ખેરગામ તાલુકાના કાકડવેરી ગામના એક પ્રગતિશીલ ખેડૂત ઇશ્વરભાઇ ગારાસીયાએ આ બાબતે જણાવ્યું હતું કે, ૧૦ એકર જમીનમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરૂં છું. મારા ખેતરમાં ૪૦૦ જેટલી આંબા કલમ આવી છે. તમામ આંબામાં હુ જીવામૃત અને છાણીયા ખાતરનો ઉપયોગ કરૂં છું. જેના કારણે કેરીનું કદ વધ્યું છે, અને જીવાત ઓછી થઇ છે.
આમ, નવસારી જિલ્લાની એક નાનકડી પહેલે, એક મહાઅભિયાનનું સ્વરૂપ ધારણ કર્યું છે. આજે નવસારી જિલ્લાના મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લા ખેતીવાડી વિભાગની પહેલના કારણે સ્થાનિક ખેડૂતોમાં આ પ્રોજેક્ટ ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રોજેક્ટની સરાહના થઇ રહી છે.
*જીવામૃત પ્રોજેક્ટની શરૂઆત:*
ડીસેમ્બર ૨૦૨૩થી શરૂ કરેલ આ જીવામૃત પ્રોજેક્ટનું સંકલન ખેતીવાડી શાખાના પેટા વિભાગ-વાંસદાના મદદનીશ ખેતી નિયામક શ્રી પરેશકુમાર કોલડિયા દ્વારા થાય છે. આ કેન્દ્ર ખાતે દરરોજ ૧૨૦૦ લીટર જીવામૃત ઉત્પન્ન થાય છે. જેનું જિલ્લાના તમામ છ તાલુકાઓમાં અઠવાડિયામાં એક દિવસ પ્રમાણે, વેચાણ કરવામાં આવે છે. આજદિન સુધીમાં ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃતનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેનો નવસારી જિલ્લાનાં કુલ ૧,૩૩૧ ખેડૂતોએ લીધો છે.
*કેવી રીતે તૈયાર થાય છે જીવામૃત?*
જીવામૃત બનાવવા સૌથી અગત્યનું છે દેશી ગાયનું છાણ, અને ગૌમુત્ર. વાંસદા નજીકના ગામ કોષ સ્થિત ‘ઓમ મીત ગૌ શાળા’માં ૭૦ દેશી જાત આધારીત ગીર, કાંકરેજ, અને ડાંગી ગાયો છે. આ ગૌ શાળા પાસેથી દરરોજ તાજુ ગૌમુત્ર અને છાણ એકત્રીત કરી, બીજ કેન્દ્ર ખાતે પહોચાડવામાં આવે છે. સાથે સાથે ગોળ, ચણાનો લોટ જિલ્લા પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી ખર્ચ કરી ખરીદવામાં આવે છે.
બીજ કેન્દ્ર ખાતે આ તમામ સામગ્રીનું ૧૫૦૦ લીટરની તૈયાર કરેલી ટાંકીમાં મિશ્રણ કરવામાં આવે છે. જિલ્લાના છ તાલુકા માટે છ ટાંકીઓ તૈયાર કરવામાં આવી છે. એક ટાંકીમાં જીવામૃત તૈયાર કરવા માટે છ દિવસ લાગે છે. આમ, દરરોજ ૧૨૦૦ લીટર જીવામૃત ઉત્પન્ન થાય છે. જે તમામ છ તાલુકાઓમાં અઠવાડિયામાં એક દિવસ પ્રમાણે આપવામાં આવે છે. જીવામૃત બનાવવા માટે તેને સમયાંતરે હલાવતા રહેવું પડે છે. જેથી તેનામાં ઓક્સીજનની અવરજવર બની રહે, અને બેક્ટેરીયા બની શકે. આ કામ માટે ખાસ એરેટર સિસ્ટમ મુકવામાં આવી છે. જેના કારણે મિશ્રણ જાતે જ ટાંકીમાં ફર્યા કરે છે.
તૈયાર કરેલા જીવામૃતને દરેક તાલુકાના પેટા સેન્ટર સુધી પહોચાડવામાં આવે છે, અને ખેડૂતો સુધી ‘ન નફા – ન નુકશાન’નાં ધોરણે માત્ર રૂપિયા ૩ પ્રતિ લીટરના ભાવે ખેતીવાડી શાખા દ્વારા વિતરણ કરવામાં આવે છે.
*પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય જ શા માટે જરૂરી?*
પેટા વિભાગ-વાંસદાના મદદનીશ ખેતી નિયામક શ્રી પરેશકુમાર કોલડિયાએ પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય જ શા માટે જરૂરી છે તે અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દેશી ગાયોના ગૌમુત્ર અને છાણમાં બેક્ટેરીયાની માત્રા કરોડોની સંખ્યામાં હોય છે. આ બેક્ટેરીયા જમીનને ફળદ્રુપ બનાવવા કારગર છે. તેથી દેશી ગાયો એટલે કે જે ગાયોમાં ખુંધ આવેલી છે તેવી ગાયોનું ગૌમુત્ર, અને છાણ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ સુધી સૂક્ષ્મજીવાણુંઓ હોય છે. જયારે આપણે જીવામૃત તૈયાર કરીએ છીએ તો તેમાં આપણે દેશી ગાયના ૧૦ કિ.ગ્રા. છાણને ૨૦૦ લીટર પાણીમાં ભેળવીયે છીએ. આવું કરવાથી માની લો કે, આપણે ૩૦ લાખ કરોડ જીવાણુંઓ એમાં નાખી દીધા. ૨૦ મિનીટમાં આ જીવાણુંઓ એમની સંખ્યા બમણી કરી દે છે. ૭૨ કલાક પછી એમની સંખ્યા અસંખ્ય થઇ જાય છે. આ જીવામૃતને જયારે આપણે પાણી સાથે જમીન પર નાખીએ તો એ ઝાડ-છોડને ખોરાક આપવામાં, પકાવવામાં અને તૈયાર કરવામાં લાગી જાય છે. જમીનમાં ગયા બાદ જીવામૃત એક બીજુ કામ કરે છે. આ જમીનની અંદર ૧૦ થી ૧૫ ફૂટ સુધીમાં સૂષુપ્ત અવસ્થામાં રહેલ દેશી અળસિયા તથા બીજા જીવજંતુઓને ઉપરની તરફ ખેંચીને કામે લગાડે છે.
*જીવામૃત: અસંખ્ય સૂક્ષ્મજીવાણુંઓનો વિશાળ ભંડાર*
જીવામૃત કોઈપણ છોડ-ઝાડને આપવા માટેનો કોઈ ખોરાક નથી. આ તો અસંખ્ય સૂક્ષ્મજીવાણુંઓનો વિશાળ ભંડાર છે. આ બધા સૂક્ષ્મજીવાણુંઓ જે પોષક તત્વ અલભ્ય હોય, તેને લભ્ય બનાવે છે. બીજા શબ્દોમા આ સૂક્ષ્મ જીવાણુંઓ ખોરાક બનાવવાનું કામ કરે છે. એટલા માટે આપણે એને છોડ-ઝાડના ખોરાક બનાવનાર અથવા રસોઈયા પણ કહી શકીએ.
ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા, અને ખેતીની આવક વધારવાના સરકારશ્રીના પ્રયત્નોનાં ભાગરૂપે નવસારી જિલ્લા તંત્ર દ્વારા જીવામૃતના વેચાણના આ પ્રોજેક્ટની પહેલ કરવામાં આવી છે. જેને નવસારી જિલ્લામાં ખેડૂતો દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. જમીનની ફળદ્રુપતા વધારવા અને રાસાયણિક ખાતરનાં વધારે પડતા ઉપયોગથી નિર્જીવ બનેલ જમીનને સજીવ કરવામાં, ખેતીવાડી શાખા નવસારીએ અમુલ્ય યોગદાન આપ્યુ છે. નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાંથી સરાહના મળી રહી છે. ટુંક સમયમાં આ પ્રકારનો પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવે, તો રાજ્ય ઝડપથી પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન ધરાવતું રાજ્ય બનશે, તેમાં કોઈ બેમત નથી.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel