NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર IAS જયેશ ઉપાધ્યાયે સત્તાવાર ચાર્જ સંભાળ્યો..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ ગતિ આપવા માટે નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે IAS અધિકારી જયેશ ઉપાધ્યાય એ વિધિવત રીતે સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે તાત્કાલિક શહેરના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને વહીવટી કામગીરીને પ્રાથમિકતા આપતા સક્રિય કામગીરીની શરૂઆત કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ શ્રી ઉપાધ્યાયે શહેરના મુખ્ય માર્ગો, પાણી પુરવઠા વ્યવસ્થા, ડ્રેનેજ લાઇન તેમજ સફાઈ કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને નાગરિકોને સમયસર અને ગુણવત્તાસભર સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. શહેરમાં જ્યાં ક્યાં સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યાં ઝડપી કામગીરી હાથ ધરવા માટે પણ તેમણે અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા.

ફિલ્ડ વિઝીટ દરમિયાન શહેરના રોડ-રસ્તાઓની સ્થિતિ, વરસાદી સીઝન પૂર્વે ડ્રેનેજ વ્યવસ્થા, પીવાના પાણીની સુચારુ સપ્લાય અને સફાઈ વ્યવસ્થાને લઈને ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને દૈનિક જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે અસરકારક આયોજન સાથે કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિકાસ કામો, પ્રગતિ હેઠળની યોજનાઓ તથા આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શહેરના આધુનિક વિકાસ, મૂળભૂત સુવિધાઓના મજબૂતીકરણ અને પારદર્શક વહીવટને પ્રાથમિકતા આપવામાં આવશે તેમ કમિશનરે જણાવ્યું હતું.

નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાય ના આગમનથી મહાનગરપાલિકાની કામગીરીમાં વધુ ગતિ આવશે અને શહેરના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!