
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવી નગરપાલિકાના પ્રમુખ તરીકે અનિતાબેન ભંડારીની સર્વાનુમતે સત્તાવાર વરણી કરવામાં આવતા સમગ્ર તાલુકામાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. સાથે ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલ અને કારોબારી અધ્યક્ષ તરીકે પિનાકીનભાઈ પંડ્યાના નામોની જાહેરાત થતાં ભાજપ મોવડી મંડળ તથા કાર્યકરોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.
નવા પ્રમુખ અનિતાબેન ભંડારીએ પદભાર સ્વીકાર્યા બાદ તેઓ ગણદેવી શહેરના વિકાસ માટે ઉત્સાહ સાથે તત્પરતા દાખવી છે. વધુમાં જણાવ્યું હતું કે ગણદેવી શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ “સ્માર્ટ સિટી” તરીકે વિકસાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રજાની માંગણીઓ, સૂચનો અને પ્રશ્નોને રૂબરૂ સાંભળી પ્રાથમિકતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે. માર્ગ, પાણી, સફાઈ, ડ્રેનેજ, લાઇટિંગ સહિતની આવશ્યક નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવી લોકોની સુખાકારી માટે સતત કાર્યરત રહેવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
અનિતાબેન ભંડારી વ્યવસાયે શિક્ષિકા હોવા સાથે છેલ્લા દસ વર્ષથી સક્રિય રાજકારણ અને સમાજસેવામાં જોડાયેલા રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા આપતા તેમણે સમાજમાં મહિલાઓના સશક્તિકરણ માટે પણ અગત્યની ભૂમિકા ભજવી છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ ભંડારી સમાજના મહિલા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે, જ્યારે વિવિધ સામાજિક સંગઠનોમાં પણ છેલ્લા દાયકાથી કારોબારી સભ્ય તરીકે સક્રિય રહ્યા છે.
ગણદેવી નગરપાલિકાની આ ચૂંટણી પ્રક્રિયા રાજકીય રીતે ઐતિહાસિક માનવામાં આવી રહી છે. કુલ 24 બેઠકોમાંથી 22 બેઠકો પર વિવિધ કારણોસર ઉમેદવારી ફોર્મ રદ થતાં ચૂંટણી પહેલાં જ ભાજપની જીત લગભગ નિશ્ચિત બની ગઈ હતી. પરિણામે ભાજપે એકતરફી વિજયનો દબદબો સર્જતા સ્થાનિક રાજકારણમાં પોતાની મજબૂત પકડ વધુ સ્પષ્ટ કરી હતી.
આજે નગરપાલિકામાં પ્રમુખ સહિતના મહત્વના પદો પર સર્વાનુમતે નિમણૂક જાહેર થતાં ગણદેવી શહેર અને તાલુકાભરમાં ભાજપ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રાજકીય વર્તુળોમાં હવે નવા નેતૃત્વ હેઠળ ગણદેવીના વિકાસને નવી ગતિ મળશે તેવી ચર્ચાઓ તેજ બની છે.




