નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાયે પોર્ટલ પર સ્વ-ગણતરી માટે નાગરિકોને જાહેર અપીલ કરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

તા. ૧૭ મે થી ૩૧ મે દરમિયાન se.census.gov.in પોર્ટલ પર ઓનલાઇન સ્વ-નોંધણી કરવાની અપીલ
ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી જનગણના-૨૦૨૭ અંતર્ગત તા. ૧૭ મે ૨૦૨૬ થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન “સ્વ-ગણતરી (Self Enumeration)” પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાગરિકો પોતાના ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી પોતાની તથા પરિવારની માહિતી સ્વયં નોંધાવી શકશે.
આ સંદર્ભે નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય સાહેબ તેમજ નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ જિલ્લાના નાગરિકોને સ્વ-ગણતરી પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા જાહેર અપીલ કરી છે.
કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને ભવિષ્યના આયોજન માટે જનગણના અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, આવાસ, પીવાનું પાણી, રોજગાર, પરિવહન સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ માટે કરવામાં આવતા નીતિનિર્માણમાં જનગણનાના આંકડાઓનો મહત્વપૂર્ણ ઉપયોગ થાય છે.
તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈ સમયમર્યાદામાં પોતાની અને પરિવારની માહિતી ચોકસાઈપૂર્વક નોંધાવે અને દેશના આ મહત્ત્વના કાર્યમાં સહભાગી બને.
જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી આ વખતે સ્વ-ગણતરી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે. નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટર મારફતે સરળતાથી પોતાની માહિતી નોંધાવી શકશે.
વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વ-ગણતરી અંગે પોતાના પરિવારજનો, મિત્રો અને આસપાસના લોકોમાં પણ જાગૃતિ ફેલાવે અને વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તે માટે સહયોગ આપે.





