કપાસ પર આયાત વેરો દૂર કરીને મોદી સરકારે ખેડૂતો સાથે દગો કર્યો: અરવિંદ કેજરીવાલ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : કપાસ પરથી આયાત વેરો દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટીએ ચોટીલામાં વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. પરંતુ સતત વરસતા વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઈ જતા આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો. તેમ છતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોના મુદ્દે સરકાર સામે જોરદાર પ્રહાર કર્યા.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, 19 ઓગસ્ટથી કેન્દ્ર સરકારે અમેરિકાથી આવતી કપાસ પરનો 11 ટકા આયાત વેરો હટાવી દીધો છે. જેના કારણે હવે અમેરિકન કપાસ સસ્તી થશે અને ભારતના ખેડૂતોની કપાસ કોઈ ખરીદશે નહીં. તેમણે ચેતવણી આપી કે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને કપાસનો ભાવ 900 રૂપિયા પ્રતિ મણથી પણ ઓછો મળશે, જ્યારે ખેડૂતોને ખેતી માટે લેવાયેલા લોનની ચુકવણી કરવી મુશ્કેલ બનશે. “ખેડૂતને આત્મહત્યાના રસ્તા પર દોરવાનો ખતરનાક નિર્ણય મોદી સરકારે લીધો છે,” એમ કેજરીવાલે કડક શબ્દોમાં કહ્યું.
કેજરીવાલે વધુમાં આરોપ મૂક્યો કે, “મોદીજી ફક્ત અદાણીને બચાવવા અને ટ્રમ્પને ખુશ કરવા માટે દેશના ખેડૂતોની કુરબાની આપી રહ્યા છે. અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા કેસમાંથી તેને બચાવવા માટે મોદી સરકાર ખેડૂતોને બલિ ચઢાવી રહી છે.” તેમણે સવાલ કર્યો કે, “શું આખો દેશ અદાણી માટે દાવ પર મૂકી દેશો?”
આ પ્રસંગે કેજરીવાલે ખેડૂતોની ચાર મુખ્ય માંગણીઓ જાહેર કરી.
-
અમેરિકાથી આવતી કપાસ પરનો વેરો તાત્કાલિક ફરીથી લાગુ કરવામાં આવે.
-
કપાસ માટે 2100 રૂપિયા પ્રતિ મણના હિસાબે ન્યૂનતમ આધારભૂત ભાવ (MSP) નક્કી કરવામાં આવે.
-
MSP નક્કી કર્યા બાદ સીધી રીતે સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરે.
-
ખાતર-બીજ જેવી જરૂરી વસ્તુઓમાં સબસિડી આપી ખેતી ખર્ચ ઘટાડવામાં આવે.
હીરા ઉદ્યોગ પર આવેલા સંકટનો ઉલ્લેખ કરતાં કેજરીવાલે જણાવ્યું કે, અમેરિકાએ ભારતમાંથી જતાં હીરા પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. જેના કારણે સુરતના લાખો હીરા કારીગરો બેરોજગાર બન્યા છે. “કેનેડા, યુરોપિયન યુનિયન અને મેક્સિકોએ અમેરિકાને કડક જવાબ આપ્યો, પણ ભારતમાં મોદી સરકાર ટ્રમ્પ સામે ઘૂંટણિયે પડી ગઈ છે,” એમ કેજરીવાલે આક્ષેપ કર્યો. તેમણે વધુમાં જણાવ્યું કે, “જો અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, તો આપણા દેશે પણ અમેરિકાના માલ પર 75 ટકા ટેરિફ લગાવી દેવો જોઈએ. 140 કરોડ લોકોની વસ્તી ધરાવતા દેશમાં એ હિંમત સરકાર બતાવતી નથી.”
કેજરીવાલે કોંગ્રેસને પણ આક્ષેપના ઘેરામાં લીધા હતા. “કોંગ્રેસ ખેડૂતો અને કારીગરોના પ્રશ્નોમાં ચૂપ છે, કારણ કે કોંગ્રેસ ભાજપની નોકરી કરી રહી છે,” એમ તેમણે કહ્યું.
પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય હેમંત ખવા, ખેડૂત સેલના પ્રમુખ રાજુ કરપડા તથા અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં કેજરીવાલે પંજાબમાં આવેલા પૂર વિશે વાત કરતાં જણાવ્યું કે, “અત્યારે પંજાબમાં 1800થી વધુ ગામોમાં પાણી ભરાઈ ગયું છે, આશરે સાડા ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા છે. પંજાબ સરકારનો એક-એક મંત્રી, ધારાસભ્ય અને કાર્યકર રાહત-બચાવના કામમાં મેદાનમાં ઉતરી ગયા છે. પાણી ઉતર્યા બાદ પુનર્નિર્માણનું કાર્ય પણ જોરશોરથી હાથ ધરવામાં આવશે.



