નવસારી જિલ્લામાં PMPVTG ડેવલપમેન્ટ મિશન હેઠળ આદિમ જૂથના પરિવારને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામના લાભાર્થી દંપત્નિ શ્રી સંદિપભાઇ અને હિનાબેન સંદિપભાઇ ભોયા આજે તેમની ‘સુખની બારી’ સમાન પાકું આવાસ મળતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો*
*નવસારી જિલ્લાના કુલ-૫૨ આદિમજુથના પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો: ૨૭૯ આવાસ પ્રગતિ હેઠળ*
Navsari:- સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા તંત્ર દ્વારા તમામ વિભાગોના સક્રિય પ્રયાસો થકી આદિમજુથના પરિવારોના ઘરે-ઘરે જઈને સર્વેની સઘન કામગીરી કરી છેવાડાનો માનવી કઇ કઇ યોજનાથી વંચિત છે તે અંગે સર્વે હાથ ધરાયો હતો. નવસારી જિલ્લામાં પીએમજનમન ફેઝ-૧ અંતર્ગત જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો અર્પણ થાય તેવા ધ્યેય સાથે કામગીરી હાથ ધરાઇ હતી. આ તમામ જહેમતના ફળશ્રુતિરૂપ આજે નવસારી જિલ્લાના કુલ-૫૨ આદિમજુથના પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામના લાભાર્થી દંપત્નિ શ્રી સંદિપભાઇ અને હિનાબેન ભોયા આજે તેમની ‘સુખની બારી’ સમાન પાકું આવાસ મળતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. નવનિર્મિત પાકા મકાનમાં દિવાળીના શુભ દિવસે જ તેમણે ઘર પ્રવેશ કર્યો છે. પાકા આવાસ મળવાથી દિવાળીની ખુશીમા થયેલો વધારો બન્નેના ચેહરા પર તાદર્શ જોઇ શકાય છે. આ ખુશીનું કારણ આદિમ જૂથના પરિવારને સુખ સુવિધા અપાવાના ધ્યેય સાથે શરૂ કરેલ ‘પીએમ જનમન’ અભિયાન છે. જેના થકી આજે નવસારી જિલ્લાના કુલ-૫૨ આદિમજુથના પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. તાલુકા અનુસાર જોઇએ તો, ચિખલી તાલુકામાં કુલ-૦૫ લાભાર્થીઓને, ખેરગામ તાલુકામાં કુલ-૧૬, વાંસદા તાલુકામાં કુલ-૩૧ આદિમજુથના પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ પુર્ણ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય પ્રગતિ હેઠળના ૨૭૯ આવાસ નજીકના ભવિષ્યમાં પૂર્ણ કરવામાં આવશે.
સંદિપભાઇ એક કડીયાકામ કરતા કારીગર છે. આટલા વખત સુધી તેઓ અન્યનું ઘર બનાવતા હતા. આજે પોતાનું ઘર બનાવીને તેમાં રહેવાની ખુશી કંઇક ઓર છે. તેમણે પોતાની ખુશી વ્યક્ત કરતા નવસારી જિલ્લા તંત્ર અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સંદિપભાઇએ જણાવ્યું હતું કે, ‘સરકારશ્રીએ અમારા જેવા ગરીબોના પાકા મકાન બને તે માટે પીએમજનમન યોજના શરૂ કરી છે. આ યોજનાના કારણે અમને જે સહાય મળી છે તેનાથી અમને ઘણો આધાર મળ્યો છે. અમે સરકારશ્રીના આભારી છીએ.’
અત્રે નોંધનિય છે કે, પ્રાયોજના વહિવટદારની કચેરી નવસારી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીને કુલ-૨.૫૦ લાખની સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો રૂપિયા ૫૦ હજાર, બીજો હપ્તો રૂપિયા ૧.૨૦ લાખ અને ત્રીજો હપ્તો ૩૦ હજાર આમ. કુલ ૨ લાખ તથા મનરેગા યોજનામાંથી ૯૦ દિવસની રોજગારી રૂપે લાભાર્થીને ૨૫,૨૦૦ જેટલી રોજગારી પણ મળે છે.
વિગતવાર જોઇએ તો, નવસારી જિલ્લામાં સર્વે દરમિયાન કુલ-૧૪૩૨ લાભાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૬૮૪ લાભાર્થીઓ કાચા મકાન ધરાવે છે. આ તમામ માંથી ૩૩૧ લાભાર્થીઓને પાકા આવાસ મંજુર થયા છે. જેમાંથી ૫૨ આદિમજુથના પરિવારોને પાકા આવાસનો લાભ મળતા તેઓના પરિવારને ‘સુખનો આસરો’ સમાન પોતાનુ ‘મકાન’ મળ્યું છે જેને આ પરિવારોએ ‘ઘર’ બનાવ્યું છે. ૨૯૫ લાભાર્થીઓને પ્રથમ હપ્તો, ૧૦૭ને બીજો અને ૦૬ને ત્રિજો હપ્તો આપી દેવામાં આવ્યો છે જ્યારે ૫૨ લાભાર્થીઓના પાકા આવાસ બની ચુક્યા છે. નવસારી જિલ્લા તંત્ર આજે પણ આદિમ જૂથના લાભાર્થીઓ સરકારશ્રીના લાભોથી વંચિત ના રહે તે દિશામાં સતત કાર્યરત છે.