આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓનું પેચવર્ક હાથ ધરવામાં આવ્યું.

આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓનું પેચવર્ક હાથ ધરવામાં આવ્યું.
તાહિર મેમણ – 05/09/2024- આણંદ – જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ બાદ આણંદ જિલ્લાના તાલુકા, શહેર અને ગામોને જોડતા માર્ગ-મકાન (સ્ટેટ) અને માર્ગ-મકાન (પંચાયત) હસ્તકના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું હતું.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આપેલી સૂચના મુજબ જિલ્લામાં ભારે વરસાદના કારણે નૂકશાન પામેલ આ રસ્તાઓના લીધે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે વરસાદ બંધ થતા જ આણંદ જિલ્લામાં નૂકશાન પામેલ નાના-મોટા રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ, મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ માટે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી અને તેમની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી અને માર્ગ અને મકાન વિભાગ – સ્ટેટના કાર્યપાલક ઇજનેર શ્રી રવિ પટેલ અને તેમની ટીમ દ્વારા રાજય હસ્તકના રસ્તાઓના રીપેરીંગની કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે.
નોંધનિય છે કે, આણંદ જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પંચાયત હસ્તકના ૬૦ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. જે પૈકી રસ્તાઓ ઉપરથી પાણી ઓસરતા આ રસ્તાઓ ઉપર સાઈડ કટ પ્રોટેક્શન ઝાડી ઝાંખરા હટાવવા અને પેચ વર્કની કામગીરી માટે જેસીબી મશીનરીથી કામગીરી હાથ ધરી આ રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ભારેવરસાદના કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના જેટલા રસ્તાઓ બંધ હતા જે તમામ રસ્તાઓના રીપેરીંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક, સહિતની કામગીરી કરીને આ રસ્તાઓને વાહન વ્યવહાર માટે ખુલા કરવામાં આવ્યા છે.
જ્યારે આજે જિલ્લામાં બાકી રહેલા રસ્તાઓમાં નડિયાદ ડાકોર પાલ્લી રોડ, લિંગડા ભાલેજ આણંદ રોડ, આણંદ કરમસદ સોજીત્રા રોડ, બોરસદ અલારસા કોસીન્દ્રા રોડ અને સારસા ચિખોદરા રોડ માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા ખરાબ થયેલ રસ્તાઓનું સમારકામ પેચવર્કની કામગીરી કરવામાં આવી છે, તેમ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.




