વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા જુનાગઢ
જુનાગઢ : જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રથમ વાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના ૧૫ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિભાગના ૧૦ વિદ્યાર્થી-સંશોધનકર્તાઓને મહાશિવરાત્રીના મેળાના અભ્યાસ માટેની પ્રશ્નાવલી કલેકટરે અર્પણ કરી હતી. સાથે જ આ સંશોધનકર્તાઓને આ અભ્યાસનું મહત્વ સમજાવતા સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યાલયે પણ ટ્વિટ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી- નરસિંહ મહેતા યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસ કાર્યને અત્યંત સરાહનીય ગણાવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સંશોધનકર્તા વિદ્યાર્થીઓ મહાશિવરાત્રીના મેળાના આકર્ષણો, આર્થિક અસર અને ખર્ચ, સ્થાનિક વેપાર અને વેપારીઓ પર અસર, પર્યટન અને રોજગારીની અસર ઉપરાંત મહાશિવરાત્રીના મેળાના આયોજનને ભવિષ્યમાં વધુ બહેતર આયોજન અને સુધારણા માટે પ્રશ્નાવલીના માધ્યમથી અભ્યાસ હાથ ધરશે. આમ, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો અને વેપારીઓના પ્રતિભાવો નોંધી 40 પ્રશ્નો થકી મહાશિવરાત્રીના મેળાનો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવશે. તેના અંતે એક રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવશે. આ કેસ સ્ટડી જૂનાગઢની ઇકોનોમીને પણ સમજવામાં ઉપયોગી બનશે.
ભાવિકોને મેળામાં શું વધારે પસંદ છે તે પણ જાણી શકાશે. જે વ્યવસ્થાઓમાં સુધારાની જરૂર છે તે મંતવ્યો પણ જાણી શકાશે. એટલું જ નહીં પરંતુ વેપારીઓના મંતવ્યોનું પણ આકલન કરવામાં આવશે. યુવાનો, અન્ય વય જૂથના ભાવિકો, વેપારી, પરિવહન અને હોટલ સેવા, જુદી જુદી વ્યવસ્થાઓમાં સૂચનો તેમજ આર્થિક સામાજિક અને આધ્યાત્મિક પાસાઓને પણ આ સર્વેમાં વણી લેવામાં આવ્યા છે. અંદાજે 1500 થી 2000 લોકોના સર્વે કરવાના લક્ષ્યાંક સાથે ટીમે કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. આ પ્રસંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, જૂનાગઢમાં મહાશિવરાત્રી અને ગિરનાર લીલી પરિક્રમા એમ બે મોટા ધાર્મિક મેળા યોજાઈ છે, જેમાં અંદાજે ૧૩ થી ૧૫ લાખ ભાવિકો ઉમટે છે. જેમ હાલમાં આધ્યાત્મિક પરંપરા અનુસાર મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે, તેમ અહીંયા પણ પરંપરા મુજબ મહાશિવરાત્રીનો મેળો યોજાય છે. એક સમયે મહાશિવરાત્રીના મેળાનું ગ્રામ પંચાયત, નગરપાલિકા અને હવે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન સંબંધિત વિભાગોના યોગદાન સાથે કરવામાં આવે છે. આ માટે એકાદ માસ પૂર્વે જ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. કલેક્ટરએ કહ્યું કે, આ અભ્યાસના માધ્યમથી લોકોની આશા- અપેક્ષાઓ જાણી શકાશે, જે ખાસ ભવિષ્યમાં મહાશિવરાત્રીના મેળાના વધુ બહેતર આયોજન માટે ઉપયોગી થઈ પડશે. આમ, લોકોના પ્રતિભાવો મળવાથી એક નવો સેતુ પણ રચાશે.
ભાવિકો માટે તંત્ર દ્વારા પરિવહન, પાર્કિંગ, હેલ્થ, ફાયર સહિત અનેક વ્યવસ્થાઓ કરવામાં આવે છે તેમાં સેવાકીય સંસ્થાઓનું પણ એટલો જ સહયોગ મળે છે. જુદા જુદા અખાડા ,મંદિરો, પવિત્ર ધર્મ સ્થળોમાં વિવિધ આધ્યાત્મિક કાર્યો અને એ જ રીતે અન્નક્ષેત્રના સંચાલકો ખાસ કરીને સ્વયંસેવકો સૌ સાથે મળીને ભાવિકોની સેવા કરી રહ્યા છે.આ પરંપરા માં દરેક વ્યક્તિનું કાર્ય મહત્વનું છે. તેમણે વધુમાં કહ્યું કે રાત દિવસ નિસ્વાર્થ કરતા સ્વયંસેવકો પણ પ્રેરણા રૂપ છે તેમની પણ મુલાકાત અવશ્ય લેજો તેમ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું.
ખેતીવાડી અને ધાર્મિક પર્યટનની દ્રષ્ટિએ મહત્વ ધરાવતો હોય જૂનાગઢ જિલ્લામાં મેળા દરમિયાન ખાસ ભાવિકો આધ્યાત્મિક અનુભૂતિ સાથે લઈને તો જરૂર જાય છે. આ ઉપરાંત તેની સાથે જુનાગઢ અને આસપાસના સ્થળો ની ઈકોનોમી પણ આ મેળાને કારણે આગળ વધે છે. સ્થાનિક અને બહારથી આવતા ધંધાર્થીઓને રોજગાર વેપારની પણ એક આગવી તક સાપડે છે.
મહાશિવરાત્રી મેળા પરના આ અભ્યાસ માટે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક એન. એમ. મહેતાની દોરવણી હેઠળ ટુ વે કોમ્યુનિકેશનના ભાગરૂપે જિલ્લા માહિતી કચેરી, જૂનાગઢની ટીમે જરૂરી સંકલન કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા એન. જે. શાહે મહાશિવરાત્રીના મેળા સંદર્ભે સંશોધન કાર્યમાં સહભાગી બનવાનો આનંદ વ્યક્ત કરવાની સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેવી જ રીતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ એ.એચ. બાપોદરા માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક ઋષિરાજ ઉપાધ્યાયે પણ આ સંશોધન કાર્યમાં જોડાવાની ખુશી વ્યક્ત કરવાની સાથે સંશોધનકર્તા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી અને સંશોધનકર્તા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.