સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં ગઈકાલે અવસર એન્ટરપ્રાઇઝ નામની MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. જેનો મુખ્ય સૂત્રધાર અનિલ અમીનનો પિતરાઈ વિશાલ પટેલ વડોદરામાં રહે છે. વડોદરાના માણેજા વિસ્તારમાં આવેલ સંસ્કાર વાટિકામાં એક કરોડના આલીશાન બંગલોમાં પરિવાર સાથે રહે છે. આ વિશાલ પટેલ તેના સાગરીતો સાથે મળીને ફેક્ટરીમાં જ એમડી ડ્રગ્સ બનાવતો હતો.
મૂળ અંકલેશ્વરનો અનિલ અમીન વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયો છે. અમેરિકાથી અવારનવાર વડોદરા આવે છે અને અવસર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ચલાવે છે. અમેરિકામાં તેની અનેક મોટેલ આવેલી છે. તે મોટાભાગે અમેરિકામાં રહેતો હોવાથી અંકલેશ્વરમાં આવેલી અવસર એન્ટરપ્રાઈઝ તેનો પિતરાઈ વિશાલ પટેલ ચલાવતો હતો. આ ફેક્ટરીમાં વિશાલ પટેલ નોકરી કરતો હતો અને તેનો 50000 રૂપિયા પગાર હતો. આ આ ઉપરાંત જેમ જેમ આગળ પ્રોડક્શન થશે તેમ તેમ વિશાલને હિસ્સો આપવાની પણ વાત હતી. જો કે, રાતોરાત કરોડપતિ થઈ જવાની લાલચમાં વિશાલે તેને મળતિયા સાથે મળીને ડ્રગ્સ બનાવવાનો ખેલ રચ્યો હતો.
અંકલેશ્વરમાં અવસર એન્ટરપ્રાઈઝ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ધમધમતી હતી. જો કે, 20 દિવસ પહેલા જીપીસીબીએ તેને ક્લોઝર નોટિસ આપી હતી. આ કંપનીનું પાણી, વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. વિશાલ પટેલ જે જોબ વર્ક કરતો હતો તેની કોઈ પ્રોડક્ટને જીપીસીબીની પરમિશન ન હોવાને કારણે ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કંપનીની લેબમાં એમડી ડ્રગ્સ બનાવતા હતા.
સુરત પોલીસે બે આરોપીને પકડતા વિશાલ પટેલનું નામ ખુલ્યું હતું. જેથી અંકલેશ્વર એસઓજીની બે ટીમ તપાસમાં લાગી હતી. એક ટીમ વિશાલ પટેલને શોધવામાં લાગી અને બીજી ટીમ ફેક્ટરી પર પહોંચી હતી. અંકલેશ્વર એસઓજીની એક ટીમને વિશાલ પટેલનું લોકેશન મળતા પીછો કરીને વિશાલ પટેલની કાર રોકી હતી અને વિશાલ પટેલને દબોચી લીધો હતો. શરૂઆતમાં વિશાલ પટેલ પોલીસ સામે પોઝિટિવ વાત કરતો હતો અને કહેતો હતો કે, પેલા બે જણાએ આ બધું કર્યું હશે મને, પછી ખબર નથી. જો કે, પોલીસને તેની વાત ગળે ઉતરી નહોતી અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે.
સુરત અને ભરૂચ પોલીસે 20 ઓક્ટોબરની મોડીરાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો ચકાસણી અર્થે FSLમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીની પણ ધરપકડ કરી હતી, જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી મળી હતી.