ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં તા.૧૫ થી ૩૦ જુન દરમિયાન સેચ્યુરેશન કેમ્પ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી તા.૧૦,ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬ તાલુકાઓના ૨૩૮ ગામોના ૪,૯૩,૪૬૧ જેટલા આદિવાસી લોકોને વિકાસના લાભોથી લાભાન્વિત કરવા માટે આદિજાતિ વિસ્તારના ગામોમાં ગેપ એનાલીસીસ કરવાની સેચ્યુરેશનની કામગીરી અર્થે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય સમિતિનું ગઠન થયેલ છે .જે અન્વયે નવસારી જિલ્લામાં આગામી તા.૧૫ થી ૩૦ જુન ૨૦૨૫ દરમિયાન છેવાડાના આદિવાસી સમુદાય સુધી લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા સેચ્યુરેશન કેમ્પ યોજાશે. ઉલ્લેખનીય છે કે, ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન હેઠળ આદિવાસી સમુદાયના છેવાડાના માનવી સુધી પાકા રસ્તાઓ, વીજળી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, મોબાઈલ કનેકટીવીટી, આંગણવાડીઓ, પીવાના પાણીની સુવિધાઓ, આરોગ્યલક્ષી સુવિધાઓ જેવી માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તેમ પ્રયોજના વહીવટદાર વાંસદાની અખબારી યાદીમાં જણાવ્યું છે .