બાળલગ્ન અટકાવો: સહભાગી બનનાર તમામ સામે થશે કાનૂની કાર્યવાહી: બાળલગ્ન પ્રતિબંધ અધિકારી નવસારી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત છોકરીના ૧૮ વર્ષ પૂર્ણ થયા પહેલા તથા છોકરાના ૨૧ વર્ષ પૂર્ણ થયા પહેલા લગ્ન કરાવવામાં આવે તો તેવા લગ્ન કાયદેસર રીતે બાળલગ્ન ગણાય છે. બાળલગ્ન સમાજ માટે હાનિકારક પ્રથા છે તેમજ કાયદેસર ગુનો છે. આ અધિનિયમની કલમ ૯, ૧૦ અને ૧૧(૧), (૨) મુજબ બાળલગ્ન કરાવનાર, તેનું આયોજન કરનાર, પ્રોત્સાહન આપનાર, મદદગારી કરનાર અથવા તેવા લગ્નમાં કોઈપણ રીતે સહભાગી થનાર દરેક વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આવા ગુનામાં ૨ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧ લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ ગુનો બિનજામીનપાત્ર છે. બાળલગ્નોને રોકવા માટે સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર વ્યક્તિઓ, રસોઈયા, મંડપ ડેકોરેટર્સ, ફોટોગ્રાફર તેમજ વર અને કન્યા પક્ષના બંને પરિવારોને ખાસ અપીલ કરવામાં આવે છે કે તેઓ ભૂલથી પણ આવા બાળલગ્નનો હિસ્સો ન બને અને કાયદાનું પાલન કરે. જો ક્યાંય બાળલગ્ન થતું હોવાની જાણ થાય તો તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરવી. મદદ માટે ચાઈલ્ડલાઈન 1098, પોલીસ 100, અભયમ 181 પર સંપર્ક કરી શકાય છે. ઉપરાંત જિલ્લા સ્તરે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારીનો પણ સંપર્ક કરી શકાય છે. સમાજમાંથી બાળલગ્ન જેવી કુપ્રથા દૂર કરવા માટે દરેક નાગરિકની જવાબદારી છે. ચાલો, બાળહિત અને શિક્ષણ માટે સાથે મળીને બાળલગ્ન મુક્ત સમાજ બનાવીએ. તેમ નવસારી જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
તસવીરઃ પ્રતિકાત્મક




