
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તથા આસપાસના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ખેરગામ ખાતે આવેલી આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજના સંકુલમાં નવી સરકારી લૉ કોલેજ શરૂ કરવા રાજ્ય સરકારે વહીવટી મંજૂરી આપી દીધી છે. શિક્ષણ વિભાગના તા. 13/05/2026 ના ઠરાવ ક્રમાંક: ED/KEF/e-file/3/2025/6760/Kh દ્વારા આ મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ખેરગામ ખાતે લૉ કોલેજ શરૂ કરાવવા માટે સામાજિક કાર્યકર ઈશ્વરભાઈ બરજુલભાઈ પટેલ દ્વારા તારીખ 17/11/2025 ના રોજ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ કાયદાનું ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી તેમણે સતત પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારબાદ વિવિધ સ્તરે કરવામાં આવેલી રજૂઆતો અને અનુસરણના પરિણામે રાજ્ય સરકારે લૉ કોલેજને વહીવટી મંજૂરી આપી છે.સરકાર દ્વારા મંજૂર થયેલ લૉ કોલેજમાં કુલ 9 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં પ્રિન્સિપાલ-1, આસિસ્ટન્ટ પ્રોફેસર-4, ગ્રંથપાલ-1, પી.ટી.આઈ.-1 તથા સિનિયર ક્લાર્ક અને પટાવાળા માટે 2 જગ્યાઓ (આઉટસોર્સ આધારિત) સામેલ છે. કોલેજમાં ચાલુ શૈક્ષણિક સત્રથી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.હાલમાં GCAS પોર્ટલ પર રાજ્યની તમામ મંજૂર થયેલ કોલેજોને દર્શાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં વહીવટી મંજૂરી પ્રાપ્ત કરેલ કોલેજો પણ આગામી દિવસોમાં પોર્ટલની યાદીમાં સામેલ થઈ જશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.ખેરગામ ખાતે લૉ કોલેજ શરૂ થવાથી ખેરગામ, ચીખલી, વાંસદા, ધરમપુર અને ગણદેવી તાલુકાના વિદ્યાર્થીઓને પોતાના વિસ્તાર નજીક કાયદાનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની સુવિધા મળશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને લૉ અભ્યાસ માટે દૂર શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે તેમને “ઘરના આંગણે” કાયદાનું શિક્ષણ ઉપલબ્ધ બનશે. આ નિર્ણયને કારણે સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ છે અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ રાજ્ય સરકાર તથા રજૂઆત કરનાર આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો છે.




