“ઓપરેશન શિલ્ડ” અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા સફળ ‘મોકડ્રિલ’ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં તા. 31 મે, 2025ના રોજ જિલ્લાના વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા હવાઈ હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને “સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ – ઓપરેશન શિલ્ડ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસનો મુખ્ય હેતુ શહેરવાસીઓને આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ, તત્કાળ રેસ્ક્યૂ કામગીરી અને સંકલનક્ષમ સંસ્થાઓ વચ્ચે સહયોગની પ્રક્રિયા વિકસાવવાનો રહ્યો હતો.
આ ડ્રિલમાં જુદા જુદા વિભાગો અને સંગઠનોનું સંકલિત પ્રદર્શન થયું હતું. ખાસ કરીને ફાયર વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની ટીમો દ્વારા હકીકત જેવી પરિસ્થિતિઓમાં બચાવ કામગીરી કરી બતાવવામાં આવી.
આ મોક ડ્રિલમાં કુલ 112 નાગરિકોનો સક્રિય સહભાગીદારી સાથે રેસ્ક્યૂ કરવામાં આવ્યો, જેમાંથી પાંચ નાગરિકોને ઈજાઓ થઈ હતી. સહભાગીદારોમાં 34 સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ, 40 NCC કેડેટ્સ અને સ્ટાફ, તથા 75 જેટલા સરકારી કર્મચારીઓનો સમાવેશ થયો હતો.
આ કામગીરીના સ્થળ પર કલેક્ટરશ્રી તથા મહાનગરપાલિકા કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં સમગ્ર અભ્યાસનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, પોલીસ અધિક્ષકશ્રી સહિત વિવિધ અધિકારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભવિષ્યમાં જે કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આપત્તિ સર્જાય ત્યારે તંત્ર સજ્જ અને જાગૃત રહે – તે દ્રષ્ટિએ યોજાયેલો આ અભ્યાસ સફળ અને પ્રશંસનીય રહ્યું.





