
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અશોકભાઈ ધોરાજીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ તકભડક વિના, અત્યંત સાદાઈથી અને માનવીય અભિગમ સાથે કરીને સમાજ સામે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યુ છે.ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે આવેલા વૈદેહી સંસ્કાર ધામ અને માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અંધ જન શાળાના દિવ્યાંગ બાળકો સાથે તેમણે પ્રેમપૂર્વક સમય વિતાવીને પોતાના જન્મદિનની વિશિષ્ટ ઉજવણી કરી હતી. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ આત્મીયતા અને માનવતાની સુગંધથી મહેકી ઊઠ્યું હતું.મેયરનાં જન્મદિવસ નિમિત્તે સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે વિશેષ મિષ્ટાન્ન સહિતના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજનનો આનંદ લેતા બાળકોના ચહેરા પર છલકાતી ખુશી અને ઉત્સાહે આ ઉજવણીને ખરા અર્થમાં યાદગાર બનાવી દીધી હતી.આ કાર્યક્રમ દરમિયાન વૈદેહી સંસ્કાર ધામની બાલિકાઓએ હનુમાન ચાલીસાના પાઠ અને સુંદર અભિનંદન ગીત રજૂ કરીને મેયરનું ભાવભીનું અભિવાદન કર્યું હતું. ઉપસ્થિત સૌ કોઈએ અશોકભાઈ ધોરાજીયાના આ સેવાભાવી અભિગમ, સંવેદનશીલતા અને સામાજિક પ્રતિબદ્ધતાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.આ કાર્યક્રમે સાબિત કર્યું કે જન્મદિવસની ઉજવણી માત્ર ઔપચારિકતા પૂરતી સીમિત ન રાખતા, સમાજના વંચિત અને દિવ્યાંગ બાળકો સાથે ખુશીઓ વહેંચીને પણ સાર્થક કરી શકાય છે.આ પ્રેરણાદાયી પ્રસંગે મેયરના ધર્મપત્ની ત્રિવેણીબેન ધોરાજીયા, તેમના મિત્ર રમેશભાઈ પટેલ તેમજ ગુપ્તાજીએ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.આ કાર્યક્રમના અંતે વૈદહી સંસ્કારધામનાં પ.પૂ.યશોદા દીદી, માનવ કલ્યાણ ટ્રસ્ટ અંધ જન શાળાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને પી.આર.ઓ. પંકજભાઈ નાયકે મેયર અશોકભાઈ ધોરાજીયાની આ સરાહનીય કામગીરી તથા સંવેદનશીલતાને બિરદાવી સંસ્થા વતી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





