
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૪ જુલાઈ : પાવરપટ્ટી વિસ્તારની સંસ્કાર તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રખ્યાત સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલના આધુનિક નવ નિર્માણ માટે આજે નિરોણા ગામ મધ્યે યોજાયેલી વિશેષ ગ્રામ સભામાં તન, મન અને ધનથી સહયોગ આપવા ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવેલ હતી.
શાળાના નવીન શિક્ષણ સંકુલના આગામી તબક્કાના નિર્માણ માટે યોજાયેલી આ મહત્વપૂર્ણ સભામાં ૧૭ આગેવાનોની વિશિષ્ટ ટીમ રચાઈ હતી અને તેઓના પ્રયત્નોથી ગામજનો તરફથી ₹ ૩૦,૩૨,૨૨૨/- (ત્રીસ લાખ બત્રીસ હજાર બસો બાવીશ રૂપિયા) નું માતબર દાન એકત્રિત કરવામાં આવ્યું હતું.
૧૯૮૬ થી કાર્યરત આ શાળા હાલ ૨૩૦ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે અને આ શાળાનુ SSC-HSC નુ છેલ્લા બે વર્ષનુ એ-વન ગ્રેડ સાથે ૧૦૦% પરિણામ આવેલ છે. પાવરપટ્ટી વિસ્તારમાં એક આદર્શ વિદ્યાલય તરીકે વિકાસ પામી છે. આ શાળાનું કાર્યક્ષેત્ર નિરોણા સહિત વેડહાર, હરીપુરા, અમરગઢ, અમૃત ફાર્મ, ઓરીરા, પાલનપુર, ખારડીયા, વંગ અને બીબર જેવા વિસ્તાર સુધી વિસ્તરેલું છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં ઓડિટોરિયમ, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ, નવી ક્લાસરૂમ અને આધુનિક ફર્નિચર સહિતના માળખાકીય વિકાસ માટે આશરે ત્રણ કરોડના ખર્ચે આર્કિટેક્ટ યોજના અનુસાર કાર્ય શરૂ કરાયું છે. પ્રારંભમાં પુંજાભાઈ આણંદજી ચેરીટેબલ ટ્રસ્ટના ₹ ૨૫ લાખ અને સારસ્વતમ્ ટ્રસ્ટના ₹ ૨૦ લાખના ફાળવાયેલા દાન દ્વારા બાંધકામનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ સેવા યજ્ઞની સફળતા માટે શ્રેષ્ઠીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થી, ગામના અગ્રણીઓ, શિક્ષણપ્રેમી અને આસપાસના ગામોના લોકોએ સહભાગી થવા માટેની હ્રદયથી અપીલ પણ કરવામાં આવી છે. આગામી સમયમાં શ્રી પુંજાભાઈ આણંદજી ચેરીટેબલ ટ્રસ્ટ, સારસ્વતમ્ ટ્રસ્ટ અને જન ભાગીદારીથી અંદાજિત ત્રણ કરોડના ખર્ચે અતિ આધુનિક શૈક્ષણિક સંકુલ સાકાર થવાનું ગ્રામ સભામાં નિશ્ચિત કરવામાં આવેલ હતુ.






