નિરોણા મધ્યે પ્રાથમિક કુમાર, કન્યા શાળા અને એસ.એસ.પી.એ.હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ૭૭માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરાઇ.
બાલિકા સરપંચના હસ્તે ધ્વજવંદન, વિદ્યાર્થીઓના રંગારંગ કાર્યક્રમો અને સન્માન સમારોહ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા૨૬ જાન્યુઆરી : નિરોણા પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળા અને સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ૭૭મો પ્રજાસત્તાક દિન ખૂબ હર્ષ અને ઉત્સાહપૂર્વક ઉજવાયો. કાર્યક્રમની શરૂઆત સરપંચ નરોત્તમભાઈ આહિર તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. બાલિકા સરપંચ નયનાબેન આહીરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતુ. કન્યા શાળાના ધોરણ ૩ થી ૫ની વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત રજૂ કરી ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. એસ.એસ.પી.એ. હાઈસ્કૂલની ધોરણ ૧૧ના વિદ્યાર્થીની વંશી ભાનુશાલી દ્વારા ગણતંત્ર દિન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ થયું.બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના કુમાર શાળાના વિદ્યાર્થીઓએ “ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની” પર સુંદર પ્રસ્તુતિ આપી સૌને મંત્રમુગ્ધ કર્યા. કન્યા શાળાના ધોરણ ૪ની ડાકી હેત્વી જગદીશભાઈએ ભાવસભર વક્તવ્ય આપ્યું, જ્યારે કુમાર શાળાના ધોરણ ૫ના પ્રજાપતિ જૈનીલે આત્મવિશ્વાસપૂર્વક વક્તવ્ય સાથે દેશ ભક્તિ ગીત રજૂ કર્યુ. બાલવાટિકા તથા ધોરણ ૧ અને ૨ની કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ “છોટા બચ્ચા” પ્રસ્તુતિ કરી સૌના દિલ જીતી લીધા. કુમાર શાળાના ધોરણ ૩ થી ૫ના વિદ્યાર્થીઓએ થીમ ડાન્સ રજૂ કર્યો, જ્યારે કન્યા શાળાના ધોરણ ૬ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ થીમ ડાન્સથી માહોલને દેશપ્રેમથી તરબોળ કર્યો. કુમાર શાળાના ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ “સ્ટોરી ઓફ સોલ્જર” રજૂ કરી સૈનિકોના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પી. કન્યા શાળાના ધોરણ ૭ દ્વારા “ઓપરેશન સિંદુર” તથા ધોરણ ૮ દ્વારા “નારી શક્તિ” વિષયક પ્રસ્તુતિઓ રજૂ થઈ.સરપંચ નરોત્તમભાઈ આહિરે બાલિકા સરપંચનું મોમેન્ટો આપી સન્માન કર્યું. ત્યારબાદ “પ્લાસ્ટિક મુક્ત વિધાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા” અભિયાનની પ્રણેતા એવી હાઈસ્કૂલની પાંચ દીકરીઓ તેમજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કરનાર એક દીકરીને ગ્રામ પંચાયત વતી સરપંચ તથા સભ્યો દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. ઉપરાંત પ્રાથમિક શાળાની દીકરીઓને વિવિધ પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા.શિક્ષકોની ઘટ વખતે પ્રાથમિક શાળામાં માનદ શિક્ષકો માટે ધન તેમજ સમય દાન આપનાર દાતા ઓનું પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રંગારંગ કાર્યક્રમો માણ્યા અને દેશભક્તિના રંગે રંગાયા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક કન્યા તથા કુમાર શાળાના આચાર્ય ઓ અબ્દુલભાઈ અને કંચનબેન દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આભારવિધિ હાઈસ્કૂલના ઇનચાર્જ આચાર્ય અલ્પેશભાઈ જાની દ્વારા કરાયેલ હતી.કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી તેમજ ગામના અનેક દાતા ઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ હતો.











