GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નથી: સેન્ડફલાય માખીથી બચવા આરોગ્ય તંત્રની માર્ગદર્શિકા જાહેર

જૂનાગઢ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નથી: સેન્ડફલાય માખીથી બચવા આરોગ્ય તંત્રની માર્ગદર્શિકા જાહેર

જૂનાગઢ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. પણ ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. આ માટે સેન્ડફલાય માખીથી બચવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દીવાલ પર, પશુવાડા, વાડા-ખેતરના ખૂણામાં, માટીની કાચી દીવાલ પરની તિરાડમાં, ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફલાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે. તેમાંથી મચ્છરની જેમ અનુક્રમે ઈયળ / કોસેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે.આ સેન્ડફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની કાચી કે પાકી દીવાલ પરની તિરાડ તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દીવાલની તિરાડો તેમજ દીવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે. સેન્ડફલાય ચાંદીપુરા અને કાળા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. ચાંદીપુરા રોગ સામાન્ય રીતે ૦ થી ૧૫ વર્ષના બાળકોમાં જોવા મળે છે. સેન્ડફલાયથી ફેલાતા ચાંદીપુરા તાવ રોગના લક્ષણોમાં બાળકને સતત વધુ પડતો તાવ આવવો, ઝાડા થવા, ઊલટી થવી, ખેંચ આવવી, અર્ધ સભાન કે બેભાન થવું છે. સેન્ડફલાયથી બચવા માટે ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પૂરાવી દેવા જોઈએ.ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્યપ્રકાશ) આવે તેવી વ્યવસ્થા કરવી.૧૫ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાડવાનો આગ્રહ રાખો.બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહીં, શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા. ઉપરોક્ત પૈકીના કોઈપણ ગંભીર લક્ષણો જણાય તો દર્દીને વિલંબ કર્યા વગર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સ્થળાંતર (રિફર) કરવાની કાર્યવાહી કરવી. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!