ગોધરા અને શહેરા તાલુકામાં આવેલ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોની જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઇ
તપાસમાં દુકાનદારોની ગેરરીતિ જોવા મળતા રૂ.૨૦૬૨૪/-નો જથ્થો સીઝ કરી જવાબદાર દુકાનદારો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઇ

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોની સતત અને સઘન તપાસ હાથ ધરી લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો જથ્થો પુરેપુરો મળી રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા નિયમિત તપાસ હાથ ધરવામાં આવે છે.
નિયમિત તપાસના ભાગરૂપે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારશ્રી ડૉ.ભાર્ગવ ડાંગર ઘ્વારા ગોઘરા તાલુકાના ટીંબા ગામે આવેલ વિનોદભાઇ પટેલ તથા ઠાકર ઓચ્છવલાલ, નદીસર ગામે આવેલ બફુલભાઇ શાહ તથા શોકતભાઇ ભટુક અને શહેરા તાલુકાના વાડી ગામે આવેલ વાડી દુધ ઉત્પાદક મંડળી દ્વારા સંચાલિત સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમ્યાન ટીંબા ગામે આવેલ દુકાનદાર વિનોદભાઇ પટેલ તથા નદીસર ગામે આવેલ શોકતભાઇ ભટુક ઘ્વારા રેશનકાર્ડધારકોને કુપન ના આપવી, ઇલેકટ્રીક વજન કાંટો ના નિભાવવું તેમજ સમયસર દુકાન ના ખોલતા હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ શહેરા તાલુકાની વાડી ગામે આવેલ રમીલાબેન સોલંકીની દુકાનમાં જથ્થામાં મોટાપ્રમાણમાં વધ-ઘટ જોવા મળતાં જિલ્લા પુરવઠા અધિકારશ્રી ઘ્વારા કુલ રૂ.૨૦,૬૨૪/-(વીસ હજાર છસ્સો ચોવીસ) જેટલી રકમનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તથા ઉક્ત દુકાનદારોની ગેરરીતી જણાઈ આવતા દુકાનદારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
**********




