
રાજપીપલા : જુનેદ ખત્રી
સમગ્ર વિશ્વમાં નવેમ્બર માસને આંતરરાષ્ટ્રીય એડોપશન માસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે દત્તક અંગે લોકજાગૃતિ અને સમજ ઉભી થાય તેવા આશય સાથે નર્મદા જિલ્લાના સાગબારા, દેડિયાપાડા અને તિલકવાડા તાલુકામાં પોલીસ વિભાગના જવાનો, આઈ.સી.ડી.એસ. તેમજ અન્ય વિભાગના અધિકારીઓ-કર્મીઓ દ્વારા દત્તક જાગૃતિ મહિનાની ઉજવણી કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે બાળ દત્તક માટે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) ની રચના કરી છે. ત્યજાયેલ અને તરછોડી દીધેલ નિરાધાર બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે તેઓને દત્તક લેવા અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હસ્તક ચાલતી વિવિધ યોજનાઓ, પોક્સો એક્ટ-૨૦૧૨, બાળ લગ્ન અધિનિયમ-૨૦૦૬, જે.જે.એક્ટ -૨૦૧૫ સહિતના બાળકો સંબંધિત કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
સાથોસાથ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અને નશા મુકત ભારત અંગે જાગૃતિ આવે તે સંદર્ભે માહિતી કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્ર્મમાં સીડીપીઓ શ્રીમતી વિનિતાબેન અને અસ્મિતાબેન, એ.એસ.આઈ. શ્રી રાઠવા, CWPO કંચનભાઈ અને મંગુભાઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત આઈ.સી.ડી.એસ.ના અન્ય સ્ટાફગણ હાજર રહ્યા હતા.



