GUJARATKUTCHMUNDRA

મુંદરા તાલુકામાં પોષણ માસની ઉજવણી : 35 બાળકોને ‘પોષણ કીટ’નું વિતરણ

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

મુંદરા તાલુકામાં પોષણ માસની ઉજવણી : 35 બાળકોને ‘પોષણ કીટ’નું વિતરણ

 

મુંદરા,તા. 30 : રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોગ્રામ ઓફિસરશ્રી દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ મુંદરા ઘટકમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ‘પોષણ માસ સપ્ટેમ્બર 2025′ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મહિપતસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારીશ્રી અનિલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત સદસ્યશ્રી નવીનભાઈ ફફલ, ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. શ્રીમતી જ્યોતિબેન સુંબળ, વેટ લિફ્ટિંગ નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ શ્રીમતી નેહલબેન પંડ્યા સહિત તમામ સેજા સુપરવાઇઝર અને બ્લોક કો-ઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત દ્વારા નોંધાયેલા 35 જેટલા અતિકુપોષિત બાળકોને તાલુકા વિકાસ અધિકારીશ્રી અનિલભાઈ ત્રિવેદીના હસ્તે ‘પોષણ કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવામાં મદદ કરશે.

આ ઉપરાંત વર્ષ 2022-23 માટેનો તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ છસરા 2 ના આંગણવાડી કાર્યકર હસીનાબાનુ ગુલામશા શેખ અને તેડાગર સલમાબેન પીરસા શેખને એનાયત કરવામાં આવ્યો હતો. ભુજપુર સેજાને વર્ષ 2025ના જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં ટી.એલ.એમ. સ્પર્ધામાં વિજેતા બનવા બદલ પ્રમાણપત્ર અને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોષણ ઉત્સવ 2025 અંતર્ગત યોજાયેલી વાનગી સ્પર્ધામાં વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. જેમાં પ્રથમ ક્રમે મીનાબેન વી. ડુંગરિયા (સુખડી), બીજા ક્રમે કિરણબેન વિનોદકુમાર સુતરિયા (જુવારની ખીચડી), અને ત્રીજા ક્રમે મુક્તાબેન રાજેશભાઈ મહેશ્વરી (મુઠીયા) રહ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પોષણ વિશેષજ્ઞ અને નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ શ્રીમતી નેહલબેન પંડ્યાએ સેવા આપી હતી. કાર્યક્રમના અંતે, મહેમાનોએ પોષણ વિષયક સુંદર રંગોળીનું નિરીક્ષણ કરી આયોજનને બિરદાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!