ભરૂચમાં પતંગના દોરાનું મહા-અભિયાન:3500 વિદ્યાર્થીઓએ એકત્ર કર્યો 1200 કિલો દોરો, સાર્થક ફાઉન્ડેશન કરશે નાશ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે એક અનોખું અભિયાન હાથ ધર્યું છે. ઉતરાયણ પર્વ બાદ શહેરની વિવિધ શાળાઓના 3500 વિદ્યાર્થીઓની મદદથી રસ્તાઓ અને જાહેર સ્થળોએથી અંદાજે 1200 કિલો પતંગનો દોરો એકત્ર કરવામાં આવ્યો છે.
સંસ્થાના 25 કાર્યકરોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પોતાના વિસ્તારમાંથી દોરા એકત્રિકરણનું કાર્ય કર્યું હતું. સાર્થક ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી ઉતરાયણ બાદ આવી કામગીરી કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.
સંસ્થાના પ્રમુખ હેતલ શાહના જણાવ્યા અનુસાર, એકત્ર કરાયેલા દોરામાં મોટાભાગે ચાઈનીઝ દોરાનો સમાવેશ થાય છે, જે પક્ષીઓ અને માનવીઓ માટે અત્યંત જોખમી છે. વહીવટી તંત્રના જાહેરનામા મુજબ ચાઈનીઝ દોરાના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ થતો હોવાથી સંસ્થાએ લોકોને તેનાથી દૂર રહેવા અપીલ કરી છે.
સાર્થક ફાઉન્ડેશન હવે એકત્ર કરાયેલા તમામ દોરાનો નાશ કરશે. આ સાથે અભિયાનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સંસ્થા તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ રીતે સંસ્થા જીવદયા અને સમાજસેવાનું કાર્ય એક સાથે કરી રહી છે.