AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના આહવા ખાતે પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”અભિયાનનો પ્રારંભ…

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

દેશના વડા પ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે દેશવ્યાપી પ્રારંભ થયેલ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આજરોજ આરોગ્ય શાખા અને આઈ. સી. ડી. એસ શાખા જિલ્લા પંચાયત ડાંગ આહવાના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સાંસ્કૃતિક ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરી આરોગ્ય કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ  સુરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, શરીર તંદુરસ્ત હશે તો બધુ જ સ્વસ્થ રહેશે. દરેક લોકોએ પોતાના સ્વાસ્થયની જાળવણી જાતે જ કરવી જોઇએ. ડાંગ જિલ્લો પ્રાકૃતિક સંપદાઓથી ભરપૂર જિલ્લો છે. અહીંની આબોહવા તેમજ ખેતીની પ્રાકૃતિક પેદાશોનો ઉપયોગ કરી શરીરીને વધું સ્વસ્થ રાખી શકાય છે.

સશક્ત પરિવારના નિર્માણનું પ્રથમ પગથિયું સ્વસ્થ નારી છે ત્યારે નારી સ્વસ્થ હોય અને તેની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે આપણે સૌએ જાગૃતિ ફેલાવી જરૂરી છે. જે માટે ડાંગ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જરૂરી છે. યોગ્ય ઉંમરે જ સ્ત્રીના લગ્ન થવા જોઈએ. જો યોગ્ય ઉંમરે લગ્ન થશે અને મહિલા સ્વસ્થ હશે તો બાળક પણ તંદુરસ્ત રહેશે. સાથે જ સગર્ભા માતાએ પોષણની જાળવણી કરવી પણ ખુબ જ જરૂરી છે.

આહવા ખાતે યોજાયેલ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ગામે ગામ અને લોકોના ઘર ઘર સુધી પહોંચે તે જરૂરી છે તેમ જણાવી શ્રી ચૌધરીએ તમામ મહિલાઓને આ કાર્યક્રમનો હેતુ ઘર ઘર સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

આજથી શરૂ થતાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનમાં ડાંગ જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંતો દ્વારા મહિલાઓ સહિત નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પ્રદાન કરવામાં આવનાર છે. તેનો મહિલાઓએ મહત્તમ લાભ લેવો જોઈએ તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિતે આ પ્રસંગે જણાવ્યું હતું.

ડાંગ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલે રાષ્ટ્રીય પોષણ માહની વિવિધ થીમ વિશે જાણકારી આપી હતી. જેમાં સ્થૂળતા બાબતે જાગૃતિ, બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ઘટાડવા, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ, વોકલ ફોર લોકલ જેમાં પરંપરાગત ખાદ્ય પદાર્થને પ્રોત્સાહન આપવું વિગેરે બાબતે વિસ્તાર પૂર્વક જણાવી તમામ મહિલાઓને પોષણ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જીવંત કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિભાગના ચેરમેન શ્રીમતી સારુબેન વળવી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી બીબીબેન ચૌધરી, સહિત જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ. ડી.તબીયાર, જનરલ હોસ્પિટલ આહવાના અધિક્ષકશ્રી ડો. મિતેષ કુણભી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ડો. મનીષા મુલતાની, આહવા, વઘઈ અને સુબીર તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ સહીત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!