ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી નિમિત્તે આદિજાતિ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં મોરવા(હ) ખાતે કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ અને જન જાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત આદિજાતિ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકામાં આવેલ એ.પી.એમ.સી.,મોરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આદિજાતિ મંત્રીશ્રીએ તેમના સંબોધનની શરૂઆત જનજાતીય ગૌરવ વર્ષની અને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવીને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જળ , જમીન અને જંગલોનું રક્ષણ કરનાર ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતી અને જનજાતીય ગૌરવ વર્ષની ઊજવણી આપણી માટે ગૌરવની વાત છે.
મંત્રીશ્રીએ ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિનો અને તેમાં આદિજાતિ વિસ્તારના યોગદાન અને પ્રભાવનો ઉલ્લેખ કર્યો હતો અને ગોવિંદ ગુરુના વિચાર “જીવો તો ગામ માટે, અને મરો તો દેશ માટે” ને ટાંકીને દેશ પ્રત્યેની જવાબદારીને પોતાનું કર્તવ્ય સમજીને નિભાવવાની હાકલ કરી હતી. તેમણે આદિવાસી સમાજના સંઘર્ષ અને સમર્પણ, આજે દેશના વિકાસમાં આદિજાતિ વિસ્તારના યોગદાન તેમજ મહાન આદિવાસી આગેવાનો દ્વારા કરવામાં આવેલા કાર્યોથી ગૌરવ લઈ જીવનમાં હંમેશા હિંમતભેર આગળ વધવા જેવા પ્રોત્સાહિત વચનો કહ્યાં હતાં.
મંત્રીશ્રી ડૉ. ડીંડોરે આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આદિવાસી સમાજના વિકાસ માટે આદિજાતિ મંત્રાલયની રચના કરી હતી અને હાલમાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પણ જન જાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક વિશેષ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. જેમાં શિક્ષણ, રોજગારી અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં વિકાસ સાધીને આદિવાસી વિસ્તાર પણ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયો છે અને આદિવાસીઓ આજે વિવિધ ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે.
ડૉ. ડીંડોરે પંચમહાલ અને તેની આસપાસના આદિવાસી વિસ્તારોમાં થયેલા વિકાસની રૂપરેખા રજૂ કરી. તેમણે જણાવ્યું કે આ વિસ્તારોમાં શિક્ષણ, રોજગારી અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા તમામ નાગરિકોને, કોઈપણ પ્રકારના ભેદભાવ વિના, સમાનતાના અધિકારો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. સરકાર સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આદિવાસી વિસ્તારોની સાંસ્કૃતિક સમૃદ્ધિ જાળવી રાખવા માટે પણ સતત પ્રયત્નશીલ છે. તેમણે આદિવાસી સમાજના ગૌરવ, ઇતિહાસ અને ભવિષ્યના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા પર તેમજ વિકસિત ભારતના અને તે માટે આવશ્યક વિકસિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવામાં પોતાની સહભાગિતા નોંધાવવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથારે હરિલાલ મીણાની કવિતાના માધ્યમથી સંબોધનની શરૂઆત કરતા સૌને ભગવાન બીરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતી વર્ષની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉપસ્થિત સૌને આદિવાસી સમાજના સંઘર્ષ અને સમર્પણની વાત કરી સૌને ભગવાન બીરસા મુંડાની જીવનપ્રસંગોની જાણકારી આપી હતી. તેમજ આદિવાસી સમાજના અન્ય મહાનુભાવો અને આગેવાનો વિશે માહિતી આપી હતી. વધુમાં તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાત્મક નેતૃત્વ હેઠળ થઈ રહેલ આદિજાતિ વિકાસની રૂપરેખા આપી હતી.
આ ઉજવણીના ભાગરૂપે અંદાજીત રૂપિયા ૬૫૮ લાખના કુલ ૪૩૨ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા ૨૦૫ લાખના કુલ ૧૨૦ વિકાસ કામોનું લોકાર્પણ જ્યારે રૂપિયા ૪૫૩ લાખના કુલ ૩૧૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રાયોજના વહીવટદારશ્રી ડી.આર.પટેલે મંત્રીશ્રી અને ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે મદદનીશ કમિશ્નર શ્રી આદિજાતિ વિભાગ ગોધરા દ્વારા સૌને આભારવિધી કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ ને જન જાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા વિધાર્થીઓ,રમતવીરો,કલાકારો તથા ઉત્કૃષ્ટ કામગીરી કરેલ વ્યક્તિ વિશેષોનું શાલ,ટ્રોફી,પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે મિશન મંગલમ યોજના, તબેલા માટેની સહાય,કુંવરબાઇ મામેરા યોજના, ફ્રી શિપ કાર્ડ, વન અધિકાર પત્રો સહિતની સહાય અને ખેતીવાડી વિભાગની સાધન સહાય યોજના હેઠળ લાભાર્થીઓને ટ્રેક્ટર ખરીદીના મંજૂરી પત્રો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા. ઉજવણી દરમિયાન વિધાર્થીઓ અને યુવાઓ દ્વારા કરવામાં આવેલું આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિભાગ ગોધરાના મદદનીશ કમિશ્નરશ્રી (તકેદારી) અને મદદનીશ કમિશ્નરશ્રી (શિક્ષણ), મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, એપીએમસી મોરાના ચેરમેન શ્રી હરદીપસિંહ, આદિવાસી સમાજના વિવિધ આગેવાનો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.