GUJARATKUTCHMANDAVI

ખાસ ભરતીના બીજા દિવસે કચ્છને મળ્યા વધુ ૫૦૫ શિક્ષકો.

ધો. ૬ થી ૮ ભાષા વિષયમાં ૫૩૯ ઉમેદવારો પૈકી ૨૭ ગેરહાજર તો ૭ ઉમેદવારોએ હક્ક જતો કર્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૮ નવેમ્બર : કચ્છ જિલ્લામાં શિક્ષકોની વ્યાપક ઘટ હોઈ જે તે વખતે કચ્છ જિલ્લા પંચાયતે જિલ્લાફેર બદલી વાળા શિક્ષકોને જ્યાં સુધી પૂરતા શિક્ષકો ન મળે ત્યાં છૂટા ન કરવાનો જે નિર્ણય લીધો જેના ફળ સ્વરૂપે તેમજ જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના પ્રયાસોથી કચ્છ જિલ્લા માટે વિદ્યાસહાયક ખાસ ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં ધો. ૧ થી ૫ માં ૨૫૦૦ જ્યારે ધો. ૬ થી ૮ માં ૧૬૦૦ મળી ૪૧૦૦ જગ્યાઓ ભરવા જાહેરાત કરાઈ હતી.રાજ્યના અન્ય જિલ્લાઓમાં નિમ્ન પ્રાથમિક વિભાગની ભરતી પહેલા થઈ જતાં કચ્છ ખાસ ભરતી અંતર્ગત જિલ્લાને ૧ થી ૫ માં ૨૫૦૦ ની જાહેરાત સામે ૯૫૨ ઉમેદવારો મળતા એટલી જગ્યાઓ ભરાઈ હતી જ્યારે બાકીની જગ્યાઓ પર ૫૭૦ જેટલા જ્ઞાન સહાયકો મળી કુલ ૧૫૨૨ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી આ સાથે હાલ પૂરી થયેલી ધો. ૬ થી ૮ ની ખાસ ભરતીમાં પ્રથમ દિવસે કચ્છને સામાજિક વિજ્ઞાનના ૪૭૫ જેટલા વિદ્યાસહાયકો મળ્યા હતા અને બીજા દિવસે ભાષાના વિષયોના વધુ ૫૦૫ ઉમેદવારો મળતા ૨ દિવસ દરમ્યાન જિલ્લાની ૯૮૦ જેટલી જગ્યાઓ ભરાઈ જવા પામી છે. હજી ધો. ૬ થી ૮ ગણિત – વિજ્ઞાન વિષયમાં કચ્છને વધુ ૫૫૦ જેટલા ઉમેદવારો મળવાની સંભાવના છે. આ ભરતી પણ ટૂંક સમયમાં થઈ જાશે.જેથી હવે શિક્ષક ઘટનો પ્રશ્ન મહદ્અંશે ઉકેલાઈ જાશે.લાલન કોલેજ ખાતે નિમણૂંક મેળવનાર ઉમેદવારોને ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, લાલન કોલેજના આચાર્ય છત્રસિંહ ઝાલા,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, સંઘના હોદ્દેદારો અને કેળવણી નિરીક્ષકોના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.બીજા દિવસની ભરતીમાં ભાષામાં અબડાસાની ૬૭, અંજારની ૨૩, ભચાઉની ૬૭, ભુજની ૫૮, ગાંધીધામની ૨, લખપતની ૨૮, માંડવીની ૪૪, મુંદ્રાની ૨૬, નખત્રાણાની ૬૯ અને રાપરની ૧૨૧ મળી કુલ ૫૦૫ જગ્યાઓ ભરાઈ હતી. આ બે દિવસીય ખાસ ભરતીમાં ધો. ૬ થી ૮ માં જિલ્લાની કુલ ૯૮૦ જગ્યાઓ ભરાઈ જવા પામી છે. સમગ્ર ભરતી પ્રક્રિયામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના સ્ટાફ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, કેળવણી નિરીક્ષકો, સંગઠનના હોદ્દેદારો, આચાર્યો તેમજ સી. આર. સી. /બી.આર. સી . સહિત ટીમ એજ્યુકેશનના સભ્યોએ જહેમત ઉઠાવી ભરતી પ્રક્રિયા પાર પાડી હતી.

Back to top button
error: Content is protected !!