
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૨૨ જાન્યુઆરી : પશુ વિજ્ઞાન કેન્દ્ર, મુન્દ્રા, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સીટી, સરદારકૃષિનગર અને દીન દયાલ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, ડી.આર..ડી.એ, ભુજનાં સહયોગથી અબડાસા તાલુકાના હોથીવાંધ ગામ મુકામે તા. ૨૦/૦૧/૨૦૨૫, સોમવારના રોજ એક દિવસીય ઓફ કેમ્પસ તાલીમ વર્ગ પશુપાલકો માટે યોજાયેલ હતો. સદર તાલીમ “દુધાળા પશુઓની માવજત” વિષય પર આપવામાં આવેલ હતી. આ તાલીમ વર્ગનાં પ્રમુખ તરીકે ડો.એમ.એમ.ત્રિવેદી, વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ યુનિવર્સીટી, ગાંધીનગર તેમજ પશુ વિજ્ઞાન કેન્દ્ર, મુન્દ્રાનાં અધિકારીશ્રીઓ, જીલ્લા ગ્રામીણ વિકાસ એજેન્સીનાં મદદનીશ પ્રોજેક્ટ મેનેજર શ્રીમતી ખુશ્બુબેન ગોસ્વામી તેમજ તાલુકા લાઈવલીહુડ મેનેજર શ્રીમતી રમીલાબેન પરમાર, અને હોથીવાંધ ગામનાં ૫૩ પશુપાલક તાલીમાર્થી બહેનો હાજર રહેલ હતા.તાલીમની શરૂઆતમાં ડો.કે.જે.અંકુયા, ઇન્ચાર્જ, પશુ વિજ્ઞાન કેન્દ્ર, મુન્દ્રા દ્વારા હાજર રહેલ મહેમાનોની અને પશુપાલકોનું શાબ્દિક શબ્દોથી સ્વાગત કરેલ અને તાલીમનાં હેતુઓ સમજાવેલ હતા.ત્યારબાદ શ્રીમતી ખુશ્બુબેન ગોસ્વામી, મદદનીશ પ્રોજેક્ટ મેનેજર દ્વારા ડો.એમ.એમ.ત્રિવેદી, વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ યુનિવર્સીટી, ગાંધીનગર, ડો.કે.જે.અંકુયા, ઇન્ચાર્જ, પશુ વિજ્ઞાન કેન્દ્ર, મુન્દ્રા અને ડો.એચ.એ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક, એલએફસી વિભાગનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ હતું. ડો.કે.જે.અંકુયાએ નફાકારક પશુપાલન માટે પશુપાલકના ધણના અભિન્ન અંગ એવા દુધાળા પશુની માવજત વિષે સવિસ્તાર સમજાવેલ હતું. જેમાં દુધાળા પશુની રોજબરોજની કાળજી, વસુકાવવાની અગત્યતા, વિયાણ બાદની કાળજી, ખોરાક, મિનરલ મિશ્રણ, કૃમિ અને સમયસર ૨-૩ મહિનાના વિયાણ બાદ ગર્ભાધારણ કરે તે માટેની વિશેષ કાળજીઓ અને ખોરાક વ્યવસ્થા વિષે માહિતી આપવામાં આવેલ હતી.ત્યારબાદડો.એચ.એ.પટેલ દ્વારા દુધાળા પશુઓમાં આવતા રોગો વિષે, તેનાં નિયંત્રણ માટે રસીકરણની અગત્યતા અને ઘરગથ્થુ ઉપચારો વિષે સવિસ્તાર માહિતી આપેલ હતી.જીલ્લા ગ્રામીણ વિકાસ એજેન્સીનાં મદદનીશ પ્રોજેક્ટ મેનેજર શ્રીમતી ખુશ્બુબેન ગોસ્વામી દ્વારા તેમની કચેરી દ્વારા ચાલતી યોજનાઓ વિષે માહિતી આપવામાં આવેલ હતી. તાલીમના અંતમાં ડો.એમ.એમ.ત્રિવેદી, વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ યુનિવર્સીટી, ગાંધીનગરનાં હસ્તે નિદર્શન કીટ (૧ કિલોગ્રામ મિનરલ મિશ્રણ + ૩ ગ્રામ ફેનબેંડાઝોલ કૃમિનાશક દવા) નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ડો.એમ.એમ.ત્રિવેદી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી દ્વારા તાલીમમાં સૂચવેલ અગત્યની બાબતોને અપનાવવા હાકલ કરેલ તેમજ નિદર્શન કીટની અગત્યતા સમજાવેલ હતી. કાર્યક્રમના અંતમાં ડો.કે.જે.અંકુયાએ સર્વેનો આભાર માની તાલીમ સમાપન કરવામાં આવેલ હતી.






