અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં મેડિકલ સ્ટોર્સના નામે દર્દીઓની ખુલ્લેઆમ લૂંટ : અબુધ પ્રજા બની રહી છે ભોગ – પત્રિકા થઈ વાયરલ..!!!
મેઘરજ તાલુકા તથા નગર વિસ્તારમાં મેડિકલ સારવારના નામે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને સીધેસીધા છેતરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. મેઘરજ નગરમાં અંદાજિત ૩૩ જેટલા મેડિકલ સ્ટોર્સ કાર્યરત છે, પરંતુ તેમાંના મોટાભાગના સ્ટોર્સમાં લાયસન્સધારી ફાર્માસિસ્ટ હાજર ન હોવા છતાં અભણ અને બિનઅનુભવી વ્યક્તિઓ દ્વારા દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
સ્થાનિક માહિતી મુજબ, ફાર્માસિસ્ટોના નામે મળેલ લાયસન્સો ખાનગી વ્યક્તિઓને ભાડે આપીને મેડિકલ સ્ટોર્સ ચલાવવામાં આવે છે. આવા બિનપરવાનેદાર સંચાલકો દર્દીઓ પાસેથી દવાઓના બિલના બહાને ૨૦૦થી ૩૦૦ ટકા સુધીનો નફો વસૂલતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિણામે ગરીબ અને અબુધ પ્રજા ધોળા દિવસે ખુલ્લેઆમ લૂંટાઈ રહી છે.
ચિંતાજનક બાબત એ છે કે મોટાભાગના મેડિકલ સ્ટોર્સમાં કોમ્પ્યુટરાઈઝ્ડ બિલિંગ સિસ્ટમ ઉપલબ્ધ નથી. દર્દીઓને દવાઓના પાકા બિલ આપવામાં આવતા નથી તેમજ દવાઓની કિંમત, કંપનીનું નામ કે એક્સપાયરી ડેટ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. આવી અણગડ અને ગેરકાયદેસર કામગીરીથી મેડિકલ સ્ટોર્સના માલિકો માલેતુજાર બની રહ્યા છે, જ્યારે દર્દીઓ આર્થિક રીતે પીડાઈ રહ્યા છે.
આ સમગ્ર મામલે ઔષધ નિયામક વિભાગ અથવા ડ્રગ્સ કમિશ્નરની નિયમિત તપાસ કે ચકાસણી થતી ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે ગેરરીતિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.જાગૃત નાગરિકો દ્વારા આ ગેરવ્યવસ્થાના વિરોધમાં અવાજ ઉઠાવવામાં આવે ત્યારે તેમને અસામાજિક તરીકે ચિતરવામાં આવતાં હોવાની ફરિયાદો પણ સામે આવી છે. હાલ સત્ય અને કડવી વાસ્તવિકતા સામે બુદ્ધિજીવી વર્ગ પણ ન્યાય માટે આગળ આવતો નથી, જે દુઃખદ બાબત છે.તેથી તમામ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને અપીલ કરવામાં આવે છે કે મેડિકલ સ્ટોર્સમાંથી દવાઓ લેતી વખતે તેની કિંમત, એક્સપાયરી તારીખ અને કંપનીનું નામ ચકાસી પાકા બિલની માંગણી ફરજીયાત કરે. સાથે જ નાગરિકોને જાગૃત બની અબુધ પ્રજાના હિત માટે અવાજ ઉઠાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.





