ઓપરેશન સિંદૂરના ગૌરવને સમર્પિત રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રાનો મુખ્યમંત્રીએ અમદાવાદથી આપ્યો પ્રારંભ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે તાજેતરમાં થયેલા આતંકી હુમલાના પગલે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આપેલા જડબાતોડ જવાબના ગૌરવને ઉજાગર કરવા 13થી 23 મે સુધી સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાષ્ટ્રવ્યાપી યાત્રાના ભાગરૂપે અમદાવાદના વ્યાસવાડી ખાતે ભગવાન પરશુરામની પ્રતિમાથી તિરંગા યાત્રાને ધ્વજવંદન આપી પ્રારંભ કરાવ્યો.
મુખ્યમંત્રી તિરંગા હાથમાં લઇ આ પદયાત્રામાં સહભાગી પણ થયા હતા. તેમના ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રક્ષણશક્તિના પ્રતિ બળવાન સંદેશ આપે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર સેનાનું શૌર્ય નહિ પરંતુ કરોડો ભારતવાસીઓની લાગણીનું પ્રતિબિંબ છે. આતંકવાદને તોઢરાવનાર આ કામગીરી દ્વારા ભારતે પાકિસ્તાની આતંકીઓને તેમની જ ધરતી પર પડકાર આપ્યો છે.
તેમણે ઉમેર્યું કે, દુનિયા આજે ભારતના સૈન્ય અને વાયુસેનાની ક્ષમતા સામે આશ્ચર્યચકિત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવાયેલા ઝીરો ટોલરન્સ અગેઈન્સ્ટ ટેરરિઝમના દૃઢ સંકલ્પને આજે સમગ્ર વિશ્વ માન્યતા આપી રહ્યું છે.
મુખ્યમંત્રીએ આ તિરંગા યાત્રાને ભારતીય સેનાનું મનોબળ વધારતી યાત્રા ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, તિરંગો દેશના દરેક નાગરિકને એકસાથે જોડે છે અને આ યાત્રા એ રાષ્ટ્રહિતને પ્રથમ સ્થાન આપવાનો સંદેશ છે.
આ ભવ્ય યાત્રાનું સમાપન સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે થયું હતું. યાત્રામાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, વિવિધ સંસ્થાના પ્રમુખો, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
આ તિરંગા યાત્રા માત્ર દેશભક્તિની અભિવ્યક્તિ નથી, પરંતુ ભારતની આત્મશક્તિ અને અખંડિતતાના બળવાન સંકલ્પનું જીવંત પ્રતિક પણ છે.