નોકરીની વિચિત્ર જાહેરાત, ‘પ્રેગ્નેંટ કરો અને પૈસા કમાવો…’

હરિયાણામાં મહિલાઓને ગર્ભવતી બનાવો અને લાખો રૂપિયા કમાવોની જાહેરાતથી પોલીસ દોડતી થઇ હતી. જે મહિલાઓને સંતાન ના થતું હોય તેમને ગર્ભવતી બનાવવા બદલ લાખો રૂપિયા મેળવવાની ઓફર કરતી નોકરીની આ જાહેરાત સોશિયલ મીડિયા પર ફરતી થઇ હતી.
નિસંતાન મહિલાઓના નામે ફેક તસવીરોની જાહેરાતથી રૂપિયા પડાવાતા હતા, બેની ધરપકડ હરિયાણાના નૂહમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જ્યારે પોલીસને આ જાહેરાતની જાણકારી મળી તો તે પણ ચોંકી ઉઠી હતી, બાદમાં સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એજાઝ અને ઇર્શાદ નામના બન્ને આરોપીઓની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરાઇ રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખોટી જાહેરાતો આપીને લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે નોકરીનું આ સ્કેમ ચલાવી રહ્યા હતા. જાહેરાતો માટે મહિલાઓની ફેક તસવીરોનો ઉપયોગ કરાતો હતો. જાહેરાતો માટે ફેસબુક પર ચાર ફેક એકાઉન્ટ પણ બનાવ્યા હતા. જેના પરથી આ ફેક જાહેરાતો પણ મળી આવી હતી. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા, કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.



